મચ્છુ જળ હોનારતની 45મી વરસી : 11 ઓગસ્ટ, 1979ના રોજ ડેમ તૂટ્યો હતો
મચ્છુ ડેમ તૂટવાના સમાચારથી લોકોમાં ભાગદોડ, પાણીના ધસમસતા પ્રવાહે સર્વત્ર વિનાશ વેર્યો
- Advertisement -
વિનાશક પૂરના દૃશ્યો આજે પણ મોરબીવાસીઓના મનમાં જીવંત
કુદરતી આફત બાદ પણ મોરબી ફરી બેઠું થયું, વિશ્વ ફલક પર ચમક્યું
‘ઢેલડી નગરી’ આજે ’સિરામિક સિટી’ તરીકે ઓળખાય છે, હજારો લોકોને રોજગારી આપે છે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા. 11
આજથી 45 વર્ષ પહેલાં, 11 ઓગસ્ટ, 1979ના દિવસે મોરબી શહેર પર એક એવી કુદરતી આફત ત્રાટકી હતી, જેણે ’જળ એ જ જીવન’ની વ્યાખ્યાને બદલી નાખી. ચાર દિવસના અનરાધાર વરસાદ બાદ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ તૂટી પડ્યો, જેના પરિણામે મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં વિનાશનું તાંડવ સર્જાયું હતું. આજે પણ એ દિવસને યાદ કરીને હજારો આંખો ભીની થઈ જાય છે.
11 ઓગસ્ટ, 1979ના બપોરના ત્રણ વાગ્યાની આસપાસ સમાચાર વહેતા થયા કે સતત વરસાદ અને ઉપરવાસની પાણીની આવકને કારણે મચ્છુ-2 ડેમ તૂટી ગયો છે. આ સમાચાર સાંભળતા જ લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને “ભાગો ભાગો, પૂર આવ્યું!”ની બૂમો સંભળાવા લાગી. લોકો પોતાનો જીવ બચાવવા માટે ઊંચી ઇમારતો, વૃક્ષો કે વીજળીના થાંભલા પર આશરો લેવા દોડ્યા, પરંતુ પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે કંઈ પણ ટકી શક્યું નહીં.
- Advertisement -
ચારે તરફ માત્ર પાણી જ પાણી અને લોકોની ચીસો સંભળાતી હતી. એક જ ક્ષણમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. કોઈએ પોતાના માતા-પિતા, તો કોઈએ પોતાના બાળકો અને કેટલાયે પરિવારોએ તો પોતાના આખા પરિવારજનો ગુમાવી દીધા. ’સૌરાષ્ટ્રના પેરિસ’ તરીકે ઓળખાતું મોરબી શહેર એક જ ક્ષણમાં મસાણ નગરીમાં ફેરવાઈ ગયું હતું. બીજા દિવસે સૂર્ય ઉગતા જ લોકોએ પોતાના સ્વજનોની શોધખોળ શરૂ કરી, પરંતુ જ્યાં જુઓ ત્યાં કાદવમાં ફસાયેલા મૃતદેહો જ મૃતદેહો મળી રહ્યા હતા.
આ વિનાશક પૂરમાં માનવ જ નહીં, પણ અબોલ પશુઓની પણ મોટી ખુવારી થઈ હતી. હજારોની સંખ્યામાં પશુઓ આ પાણીમાં તણાયા હતા. તેમના મૃતદેહો ઘણા દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડ્યા રહ્યા હતા. આ દ્રશ્યો કાળજું કંપાવી દે તેવા હતા, જે મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી.
આટલી મોટી આફત અને તબાહી બાદ પણ મોરબી શહેરની ભાવના અડગ રહી. લોકોએ હિંમતપૂર્વક ફરીથી બેઠું થવાનો સંકલ્પ કર્યો. ’ઢેલડી નગરી’ તરીકે જાણીતું મોરબી આજે ’સિરામિક સિટી’ તરીકે વિશ્વભરમાં ઓળખાય છે. અહીં 1,000થી વધુ ઉદ્યોગો કાર્યરત છે, જે લાખો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. આ શહેરની આત્મનિર્ભરતા અને પુનરુત્થાનની ગાથા ખરેખર પ્રેરણાદાયક છે.
આજે મચ્છુ જળ હોનારતની 45મી વરસી નિમિત્તે મોરબીવાસીઓ પોતાના ગુમાવેલા સ્વજનોને યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે. તેઓ શ્રદ્ધાપૂર્વક એ તમામ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે, જેઓ આ ભયાનક હોનારતમાં મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટના ભલે 45 વર્ષ જૂની હોય, પરંતુ તેની યાદો આજે પણ તાજી છે.