પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આનંદોત્સવ
વહેલી સવારથી ભક્તોની કતારો લાગી:જય સોમનાથ અને બમ બમ ભોલેના નાદ સાથે મંદિર પરિસર શિવમય બન્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.7
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તિ અને ભવ્યતાનો સમન્વય જોવા મળ્યો. વહેલી સવારથી શિવભક્તોની કતારો લાગી હતી. સોમનાથ મહાદેવના દર્શને મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જય સોમનાથ અને બમ બમ ભોલેના નાદ સાથે મંદિર પરિસર શિવમય બન્યું હતું. સવારે 4 કલાકે સોમનાથ મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલાયા હતા. પ્રાત:કાળે મહાદેવને પીતાંબર, વિવિધ સુગંધિત પુષ્પોનો અલૌકિક શૃંગાર અર્પણ કરવામાં આવ્યો. દર્શનાર્થીઓએ આ દૈવી ઝાંખી કરી આત્મિક આનંદ અને ધન્યતા અનુભવી. મંદિર પરિસરમાં “ઓમ નમ: શિવાય”નો ગુંજન ભક્તિભાવને વધુ પ્રગટ કરતો હતો.
પરંપરાગત રીતે યોજાયેલી પાલખી યાત્રામાં શ્રી સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગને ચંદનથી લેપિત કરી ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિતના પુષ્પહારોથી સુશોભિત કરવામાં આવ્યા. ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબે સજોડે ટ્રસ્ટ પરિવાર સહિત પાલખી પૂજન કર્યું હતું. મંદિરમાં પ્રદક્ષિણા માટે નીકળેલી પાલખી યાત્રા હર હર મહાદેવ અને જય સોમનાથના ઉલ્લાસભેર નાદ સાથે મંદિર પરિસરમાં ફરી. આ પાવન પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર અને મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શનાર્થીઓએ ભક્તિભાવથી જોડાયા હતા અને અવિસ્મરણીય ક્ષણોનો અનુભવ કર્યો હતો.