ગત વર્ષે મેળો વરસાદમાં ધોવાયો અને આ વર્ષે વરસાદની આગાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 14થી 18 ઓગસ્ટ સુધી સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે એ જ સમયે મેઘરાજા પણ મેળામાં આવે તેવી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 15થી 21 ઓગસ્ટ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંભવિત વરસાદ લોકમેળાની મજામાં વિઘ્ન નાખી શકે છે, પરંતુ મેળાનું આયોજન યથાવત રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ માટે રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, ખાસ કરીને 15 થી 21 ઓગસ્ટના સમયગાળા દરમિયાન વરસાદનું જોર વધવાની પૂરી શક્યતા છે. જો કે, હવામાન વિભાગે માછીમારો માટે કોઈ વિશેષ એલર્ટ જાહેર કર્યું નથી.
ગયા વર્ષે પણ લોકમેળો વરસાદમાં ધોવાઈ ગયો હતો
ગયા વર્ષે રાજકોટના રેસકોર્સ મેદાનમાં લોકમેળો 24થી 28 ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવ્યો હતો. પરંતુ ભારે વરસાદ વરસતા લોકમેળાના મેદાનમાં ચારેબાજુ પાણી ભરાઇ ગયા હતા. આથી લોકોની સલામતીના હેતુસર ગયા વર્ષે ધરોહર લોકમેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મેળો રદ કરવામાં આવતા સ્ટોલધારકો, રાઇડ્સ સંચાલકોને ભારે નુકસાન વેઠવું પડયું હતું. રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીનો ધરોહર લોકમેળો વરસાદને કારણે ધોવાઈ જતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. રાજકોટ કલેકટર દ્વારા મેળો રદ કરી સ્ટોલ અને પ્લોટધારકોને તેમના નાણાં પરત કરાયા હતા. ગયા વર્ષે વરસાદને લીધે મેળો પાણીમાં ધોવાઈ જતાં સાતમ અને આઠમના દિવસોમાં જ્યાં દર વર્ષે ભારે ભીડ હોય તે લોકમેળામાં કાગડા ઉડતા જોવા મળ્યા હતા.
લોકમેળાના નામ માટે 2950 એન્ટ્રી આવી હતી
- Advertisement -
લોકમેળાનું નામ ‘શૌર્યનું સિંદૂર
રાજકોટના ધાર્મીબેન ચીકાણીએ આ નામ આપ્યુ છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના પ્રખ્યાત અને સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા લોકમેળાને હવે એક નવું અને અનોખું નામ મળ્યું છે. રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં તા. 14 થી 18 ઓગસ્ટ દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોથી યોજાતા આ ભાતીગળ લોકમેળાનું નામ આ વખતે ‘શૌર્યનું સિંદૂર લોકમેળો-2025’ રાખવામાં આવ્યું છે.
લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા મેળાના નામ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. રાજકોટવાસીએ ઉત્સાહભેર વિવિધ પ્રકારના નામો મોકલ્યા હતા.
જેમાં કલરવ, પારિજાત, વિજય સિંદૂર, અમૃતકુંભ, લોકસંગમ, સપ્તરંગી, રંગ કસુંબલ, વિરાસત, વિજય સ્મૃતિ સહિતના અનેક નામો આવ્યા હતા. લોકમેળાના નામ માટે આશરે 2950 જેટલી એન્ટ્રીઓ આવી હતી. ‘ઓપરેશન સિંદૂર’ બાદ મેળાનું નામ સિંદૂર લોકમેળો રાખવામાં આવે, તેવી લોકલાગણી પણ પ્રવર્તતી હતી. લોકમેળા સમિતિ દ્વારા મેળાના નામકરણ માટે એક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેમાં લોકો પાસેથી આવેલા હજારો અભિપ્રાયોમાંથી શ્રેષ્ઠ 10 નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદીમાંથી ચર્ચા-વિચારણા બાદ “શૌર્યનો સિંદૂર લોકમેળો” નામ પર સર્વાનુમતે મહોર મારવામાં
આવી હતી.
આ નામ શૌર્ય, બલિદાન અને લોકકલાના વારસાને ઉજાગર કરે છે, જે મેળાના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આખરે લોકમેળાનું નામ રાજકોટના ધાર્મીબેન વી. ચીકાણી દ્વારા રજૂ કરાયેલ નામના આધારે ‘શૌર્યનું સિંદૂર લોકમેળો-2025’ જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી પરંપરાગત મેળાને એક નવી ઓળખ અને સન્માન મળ્યું છે.
2007થી અત્યાર સુધીમાં લોકમેળાને અપાયેલા નામ
2007 રંગીલો લોકમેળો
2008 રમઝટ લોકમેળો
2009 નવરંગ લોકમેળો
2010 સ્વર્ણિમ લોકમેળો
2011 સાંસ્કૃતિક લોકમેળો
2012 વિવેકાનંદ લોકમેળો
2013 સાંસ્કૃતિક લોકમેળો
2014 જમાવટ લોકમેળો
2015 ગોરસ લોકમેળો
2016 મારો રંગીલો મેળો
2017 વાયબ્રન્ટ લોકમેળો
2018 ગોરસ લોકમેળો
2019 મલ્હાર લોકમેળો
2022 આઝાદીનો અમૃત લોકમેળો
2023 રસરંગ લોકમેળો
2024 ધરોહર લોકમેળો