ઓમ જોષી-પોરબંદર
‘સુદામાપુરી પોરબંદર – દરિયાકાંઠે વસેલું 10મી સદીનું પ્રાચીન નગર’
- Advertisement -
શ્રાવણી પૂનમે વિક્રમ સંવત 1045માં સ્થાપના – ઘુમલીના તામ્રપત્રમાં ઇતિહાસનો ઉલ્લેખ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
સુદામાપુરી પોરબંદરે આજે શનિવારે પોતાની 1036 વર્ષની સફર પૂર્ણ કરી 1037માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. 1036 વર્ષ પહેલા, અરબી સમુદ્ર કિનારે આવેલ અશમાવતી ઘાટ પર તોરણ બાંધી પોરબંદરનું બારૂ ખુલ્લું મુકાયું અને વેપારનો આરંભ થયો હતો. પોરબંદરની સ્થાપનાનો પુરાવો જામનગરના મ્યુઝિયમમાં રહેલા ઘુમલીના તામ્રપત્રમાં મળે છે, જેમાં ઉલ્લેખ છે કે જેઠવા વંશના રાજાઓએ વિક્રમ સંવત 1045ની શ્રાવણી પૂનમ અને શનિવારના દિવસે સવારે 9.30 વાગ્યે પોરબંદરની સ્થાપના કરી હતી.
દશમી સદીમાં વસેલું આ નગર દ્વારકા અને પ્રભાસ પાટણ જેટલું જ પ્રાચીન ગણાય છે. પુરાણો અનુસાર પોરબંદર ભગવાન શ્રીકૃષ્ણના મિત્ર સુદામાની ભૂમિ છે. દરિયા કાંઠે આવેલ પોરાઈ માતાના મંદિર પરથી જ પોરબંદર નામ પડ્યું હોવાનું માનાય છે.
- Advertisement -
જેઠવા વંશનું શાસન અને વિકાસ: ઈ.સ. 1120માં રાણા સંઘજી ઘુમલીની ગાદીએ આવ્યા અને બાદમાં રાણપુરને રાજધાની બનાવવામાં આવી. પરંતુ પોરબંદરના આધુનિક વિકાસનું શ્રેય લોકપ્રિય રાજવી રાણા નટવરસિંહજીને જાય છે. તેઓ પોરબંદરને ‘પેરિસ’ જેવી નગરયોજનાથી વિકસાવવા માગતા હતા, જેના કારણે પોરબંદરના રસ્તા, ઇમારતો, રાજમહેલો અને ચોપાટી આજેય તેમની દ્રષ્ટિનો સાક્ષી છે. તે સમયના રાજવી દર વર્ષની શ્રાવણી પૂનમે નગરજનોને એકત્ર કરતા, હનુમાનજી અને સુદામાની પૂજા
પછી દરિયા દેવને નારીયળ અને ચૂંદડી ચઢાવી માછીમારો દરિયાનું ખેડાણ શરૂ કરતા. આ પરંપરા આજે પણ ખારવા સમાજ દ્વારા જાળવવામાં આવે છે.
વિશ્વને આપેલો વારસો: પોરબંદરે વિશ્વને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેવી અવિસ્મરણીય ભેટ આપી છે. સંત કવિયત્રી લીરબાઈ, કવિ ગુલાબદાસ બ્રોકર, રતિભાઈ છાયા, વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઈન્દ્રજી, નૃત્યાંગના હિર સવિતાદીદી મહેતા, તેમજ ભારતની પ્રથમ ક્રિકેટ ટીમના કેપ્ટન નટવરસિંહજી – આ બધા પોરબંદરની ધરતીની દેણ છે. અહીં સ્વામી વિવેકાનંદનો આશ્રમ, ગાંધીજીનું જન્મસ્થળ કિર્તીમંદિર, એશિયાની પ્રથમ ક્રિકેટ સ્કૂલ દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ અને ભારતનું બીજું પ્લેનેટોરીયમ પોરબંદરની શાન છે.
રાજકીય સફર: ઈ.સ. 990ની શ્રાવણી પૂનમે જેઠવા વંશના સ્ટેટ પોર્ટ તરીકે ‘પૌરવેલા કુળ’ નામે પોરબંદરની સ્થાપના થઈ. સ્થાપનાના 795 વર્ષ પછી, ઈ.સ. 1785ની શ્રાવણી પૂનમે પોરબંદરને રાજધાની જાહેર કરવામાં આવ્યું. 1785 થી 1948 સુધીના 163 વર્ષ પોરબંદર જેઠવા વંશની રાજધાની રહ્યું. નગરપાલિકાનો આરંભ 1887માં થયો, પરંતુ શરૂઆતમાં પ્રમુખની નિમણૂંક રાજ્ય દ્વારા થતી. પ્રથમ નિમણુંક પામેલા પ્રમુખ વાડિયા હતા. 30 સપ્ટેમ્બર 1949થી પોરબંદર નગરપાલિકા કાર્યરત થઈ અને પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ વકીલ પી.ડી. કક્કડ સાહેબ બન્યા.
પોરબંદરનો ઐતિહાસિક વારસો
1. પોરબંદર પોર્ટનો ઇતિહાસ: પોરબંદરનો બંદર એક સમય ભારતના પશ્ચિમ કાંઠાનો મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું, જ્યાંથી અરબી દેશો, આફ્રિકા અને યુરોપ સુધી મસાલા, કપાસ અને હસ્તકલા નિકાસ થતી. અહીંથી ખાસ કરીને આફ્રિકાના ઝાંઝીબાર સુધીનો વ્યાપાર પ્રખ્યાત હતો.
2. સાંસ્કૃતિક પરંપરાઓ: દર વર્ષની શ્રાવણી પૂનમે દરિયા દેવની પૂજા કરવાનું ખારવા સમાજનું રિવાજ, જે આજે પણ અખંડિત છે. નવરાત્રિમાં પોરબંદરનો મહેર સમાજનો મણિયારો રાસ પરંપરા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ.
3. પ્રસિદ્ધ સ્થળો:
1.સુદામા મંદિર – મિત્રતાનું પ્રતિક:
સુદામા મંદિર પોરબંદરનું એક પ્રસિદ્ધ હિંદુ મંદિર છે, જે ભગવાન શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામાને સમર્પિત છે. આ મંદિર પોરબંદરના મધ્યભાગમાં સ્થિત છે અને તેનું નિર્માણ ઈ.સ. 1902થી 1907ની વચ્ચે થયું હતું. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું આ મંદિર અનેક ભક્તોને આકર્ષે છે, ખાસ કરીને નવા લગ્ન કરેલ દંપતિઓને. પોરબંદરની મુલાકાત દરમિયાન સુદામા મંદિર દર્શનનો એક મુખ્ય ભાગ ગણાય છે.
2.પોરાઈ માતાનું મંદિર – શહેરના નામ સાથે સીધો સંબંધ:
સાંદિપની આશ્રમ – રાષ્ટ્રીય સંત ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંચાલિત સાંદિપની આશ્રમ જ્યાં સનાતન ધર્મનો વારસો જાણવી રાખવા માટે ઋષિકુમારોને વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવે છે.
3.જાંબુવનની ગુફા:
આ ગુફા પોરબંદર જિલ્લાના રાણાવાવથી પાંચ કિલોમીટરના અંતરે આદિત્યાણા નજીક બરડા ડુંગરની તળેટીમાં આવેલી છે. અહીં જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્યા નીચે વ્યવસ્થિત પથ્થરની સીડી અને અંદર ઉતરતાં એક પછી એક વિશાળ ઓરડો જોવા મળે છે. જાંબુવન નામના રીંછ પરથી આ ગુફાનું નામ પડયું છે. જાંબુવન ભગવાન શિવનો અનન્ય ઉપાસક હતો. આ ગુફામાં જાંબુવને અનેક શિવલીંગની સ્થાપના કરી હતી, તેમાં પાતાળેશ્વર મહાદેવનું શિવલીંગ મુખ્ય છે તેના પર કુદરતી રીતે જલાભિષેક થાય છે. પાણીના ટીપાં ટપકવાથી આપોઆપ શિવલીંગ બંધાય છે તેના પાછળની દંતકથા એવી છે કે જાંબુવનનને 108 શિવલીંગની પૂજા કરવી હતી એક રાતમાં આટલી સંખ્યામાં શિવલીંગ ન થતાં જાંબુવન એક ધ્યાને બેઠા. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને વચન આપ્યું કે ઉપરથી ગુફા અંદર ટપકતાં પાણીના ટીપાંથી શિવલીંગ બની જશે.
4. ગાંધીજી સાથેનો સંબંધ:
પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે, જ્યાં 2 ઑક્ટોબર 1869એ તેમનો જન્મ થયો.કિર્તીમંદિર ગાંધીજીના જીવન અને વિચારોનું સ્મારક છે, જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે.
5. શૈક્ષણિક અને રમતગમતની ઓળખ:
એશિયાની પ્રથમ ક્રિકેટ સ્કૂલ – દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ.ભારતનું બીજું પ્લેનેટોરીયમ – પોરબંદરની ગૌરવગાથામાં ઉમેરો.
6. કલાકારો અને સાહિત્યકારો:
સંત કવિયત્રી લીરબાઈ માતા, કવિ ગુલાબદાસ બ્રોકર, રતિભાઈ છાયા, જયકૃષ્ણ ઈન્દ્રજી, અને નૃત્યાંગના હિર સવિતાદીદી મહેતા.
7. પ્રાચીન કિલ્લો અને તટબંધ:
પોરબંદરના જૂના કિલ્લાની દીવાલો, દરવાજા અને વોચટાવર્સ શહેરના રક્ષણ માટે રાજવી કાળમાં બનાવાયા હતા.
8. પોરબંદરની આધુનિક ઓળખ:
ગુજરાતના શ્રેષ્ઠ દરિયાકાંઠા અને ચોપાટીઓમાંથી એક, સાફસૂથરી અને સુંદર સમુદ્રકિનારાની ઓળખ ધરાવતું નગર. માછીમારી અને મરીન પ્રોડક્ટ્સના હબ તરીકે આજે પણ મહત્વપૂર્ણ.