અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, ખેડબ્રહ્મામાં અંબિકા મંદિરે લાઇનો લાગી, શામળાજીમાં સોનાની રાખડી અર્પણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. દેશભરનાં તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિર પણ ભક્તોથી ઊભરાયું છે. આજે વહેલી સવારથી માઇભક્તો માતાજીનાં દર્શન અને માતાજીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે. માતાજીના જય ઘોષ સાથે પહોંચતા ભક્તોથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો છે. સાળંગપુર શ્રીકષ્ટભંજન દેવને રાખડીના વાઘાનો શણગાર કરાયો છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે દાદાને દેશ-દુનિયામાંથી હજારો રાખડીઓ અર્પણ
કરાઈ હતી. શામળાજીમાં ભક્તોએ ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરી હતી. રક્ષાબંધન એટલે કે બળેવના પવિત્ર અવસરે અંબાજી શક્તિપીઠ ભક્તિથી છલકાઈ ગયું હતું. વહેલી સવારથી જ માઈભક્તોની લાંબી કતારો શક્તિદ્વાર સુધી પહોંચી હતી. મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું.
આ શુભ દિવસે મંદિરને રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને માતાજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી. પરંપરા મુજબ, ગણપતિની આરતી બાદ માતાજીની અને ત્યાર બાદ મહાદેવની આરતી કરવામાં આવી હતી. આ દિવ્ય માહોલમાં ભક્તોએ માતાજીના દર્શન કરી પૂનમનું મહત્વ વધાર્યું.
- Advertisement -
બોટાદના સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ’મારી રાખડી મારા દાદાને’ અભિયાન હેઠળ દેશ-વિદેશની બહેનોએ મોકલેલી હજારો રાખડીઓથી હનુમાનજી દાદાના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, હનુમાનજી દાદાના સિંહાસનને નારિયેળીના પાનથી સુશોભિત કરવામાં આવ્યું હતું.
બહેનોએ રાખડી સાથે મોકલેલા પત્રો પણ દાદા સમક્ષ મૂકવામાં આવ્યા હતા. આ મનોહર શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, અને આ અનોખી ઉજવણીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી.
યાત્રાધામ શામળાજી ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી. અરવલ્લી જિલ્લામાં આવેલા આ સુપ્રસિદ્ધ મંદિરે શ્રાવણી પૂર્ણિમાના શુભ દિવસે હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા ઉમટ્યા હતા.
મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાને વિશેષ સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. સવારની શણગાર આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ આ દિવ્ય દર્શનનો લાભ લીધો. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભગવાનને રાખડી અર્પણ કરી, જે મંદિરના પૂજારી દ્વારા ભગવાનના કાંડા પર બાંધવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા ભગવાનને સોનાની રાખડી પણ બાંધવામાં આવી હતી.