સભાસદ કલ્યાણ વર્ષ અંતર્ગત અનેક રોગોની નિ:શુલ્ક તપાસ અને રાહતદરે બ્લડ રિપોર્ટ્સ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની સાડા છ દાયકા જૂની સહકારી સંસ્થા રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર લિમિટેડ “અપના બજાર” દ્વારા સભાસદ કલ્યાણ વર્ષના ઉપલક્ષ્યમાં એક નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત રવિવારે સવારે 8 થી 1 દરમિયાન ભૂપેન્દ્ર રોડ સ્થિત અપના બજાર ખાતે આયોજિત આ કેમ્પમાં શહેરની નામાંકિત શ્રી ગિરિરાજ હોસ્પિટલનો સહયોગ લેવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં ગિરિરાજ હોસ્પિટલના નિષ્ણાત ડોકટરોની ટીમ, જેમાં યુરોલોજિસ્ટ ડો. પ્રેમ લાખણી, ઓર્થોપેડિક સર્જન ડો. નરેશ સાપરીયા, બેરિયાટ્રિક સર્જન ડો. કૃપેન ટેલર અને ડો. કેયુર યાજ્ઞિકનો સમાવેશ થતો હતો, તેમણે સભાસદોને નિ:શુલ્ક તપાસ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેમ્પમાં સભાસદો માટે અનેક પ્રકારના મોંઘા બ્લડ રિપોર્ટ્સ જેવા કે ઈઇઈ, રેન્ડમ બ્લડ સુગર, લીવર, થાઇરોઇડ, લિપિડ પ્રોફાઇલ અને કિડની સહિતના ટેસ્ટ અત્યંત રાહતદરે કરી આપવામાં આવ્યા હતા.
કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, અને અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
અપના બજારના ચેરમેન ભાગ્યેશ વોરા અને વાઇસ ચેરમેન દીપક ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું કે, આ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં સભાસદો અને તેમના પરિવારોએ લાભ લીધો હતો. આ પ્રકલ્પને સફળ બનાવવા માટે સંસ્થાના તમામ ડિરેક્ટરો અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ પ્રકારના આરોગ્યલક્ષી આયોજનથી સભાસદોને મોંઘીદાટ તબીબી સારવારમાં થોડી રાહત મળી રહેશે.