ઉપપ્રમુખ અને સંગઠન મંત્રીએ પારિવારિક-વ્યવસાયિક કારણોસર હોદ્દાનો કર્યો ઇનકાર
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના મુજબ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ સહિતના પદો પર નિમણૂકો જાહેર કરવામાં આવી હતી. જોકે, આ નિમણૂકની યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થતાંની સાથે જ શહેર ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. નવનિયુક્ત શહેર ભાજપના ઉપપ્રમુખ નિરવ ગોંડલીયા અને સંગઠનના મંત્રી મહેશ માંડલિયાએ પોતાના હોદ્દાનો ઇનકાર કરી તાત્કાલિક રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામા પાછળ ખરેખર શું કારણ છે અને તેની સ્થાનિક રાજકારણ પર શું અસર પડશે તે જોવું રસપ્રદ રહેશે.
- Advertisement -
રાજીનામા પાછળના કારણો અને તર્કવિતર્કો
બંને નેતાઓએ તેમના રાજીનામા પાછળ વ્યવસાય અને પારિવારિક પ્રશ્ર્નોને કારણભૂત ગણાવ્યા છે. જોકે, બગસરા શહેર ભાજપમાં આ બંને અગ્રણી નેતાઓના અચાનક રાજીનામાથી અનેક તર્કવિતર્કો સર્જાયા છે અને કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થયો છે. આ ઘટના ભાજપના સ્થાનિક સંગઠનમાં કંઈક અજંપો હોવાના સંકેતો આપે છે.



