નાગરિકોની રજૂઆતને ધ્યાને લઇને કામ કરવામાં આવશે : કાંતિલાલ અમૃતિયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
મોરબીમાં તાજેતરમાં શરૂ થયેલા જનઆંદોલનોના પગલે તંત્ર સફાળું જાગ્યું છે. પ્રજાના રોષને શાંત પાડવા માટે રોડ-રસ્તા, ગટર અને લાઈટો સહિતના વિકાસ કાર્યો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા છે. આ કામગીરીની પ્રગતિ તપાસવા માટે જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય અને મહાપાલિકાના અધિકારીઓએ મોડી રાત્રે વિવિધ સ્થળોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આગામી કામો અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર અને મહાપાલિકાના વહીવટદાર કે.બી. ઝવેરીએ આ અંગે જણાવ્યું હતું કે, “અંદાજે દસેક દિવસ પહેલા મેં પ્રેસ કોન્ફરન્સમાં મોરબીના લોકોને હૈયાધારણા આપી હતી કે કામો શરૂ થશે. તે મુજબ હાલ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.” તેમણે ઉમેર્યું કે, “અમે ખાડા બુરવાના કામો પહેલા પૂર્ણ કરાવીશું. હાલ આપણી પાસે 5 જેટિંગ મશીન અને અન્ય એક મશીન છે, જેનાથી ગટર ઉભરાવાની સમસ્યાઓનો પણ નિકાલ આવશે. લાઈટનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે અને બે દિવસમાં તમામ જગ્યાએ લાઈટો લાગી જશે.”
- Advertisement -
કલેક્ટર ઝવેરીએ વધુમાં જણાવ્યું કે, તેઓ અને મ્યુનિસિપલ કમિશનર સતત કામગીરી પર દેખરેખ રાખી રહ્યા છે. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે, “લોકોને કંઈ પણ પ્રશ્ન હોય તો મને અથવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરે, આંદોલનનો માર્ગ ન અપનાવે.”
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ‘આગામી તા. 2 સુધીમાં લગભગ કામ પૂર્ણ થઈ જશે.’ તેમણે એમ પણ કહ્યું કે, “આગામી તા. 5થી દર 15 દિવસે પાંચ-પાંચ નવા કામ શરૂ કરવામાં આવશે. જે ગામો મહાપાલિકામાં સમાવવામાં આવ્યા છે, ત્યાં પણ રજૂઆતોને ધ્યાને લઈ કામ કરવામાં આવશે.’
ધારાસભ્ય અમૃતિયાએ વિરોધ પક્ષને આડે હાથે લેતા કહ્યું કે, “અત્યારે ખાડા, ગટર, લાઈટના પ્રશ્નો દૂર કરવા પૂરજોશમાં કામગીરી ચાલુ છે. આંદોલનવાળા આંદોલન કરશે, અમે કામ કરીશું. ડિસેમ્બરમાં ચૂંટણી આવે છે તો વિરોધ પક્ષ એનું કામ કરે. અમે અમારું કામ કરીએ છીએ. જો ચક્કાજામ કરવાને બદલે અમારા નબળા કામ ગોતે તો મજા આવે.’
આમ, જનઆંદોલનના દબાણ હેઠળ મોરબી તંત્ર સક્રિય બન્યું છે અને ઝડપભેર કામગીરી પૂર્ણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે.



