સિંચાઈ વિભાગમાં 35 કરોડનું કૌભાંડ થયું છે 17 કામમાંથી 7ને નોટિસ અપાઈ છે તેની તટસ્થ તપાસ કરાવવા માગ: મનસુખ સાકરીયા
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કુલ 4 ઠરાવ મંજૂર કરાયા: 367 ગ્રામ પંચાયતોમાં 4.07 કરોડના ખર્ચે સોલાર રૂફ ટોપ નખાશે
- Advertisement -
કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા વિપક્ષી નેતા મનસુખ સાકરીયા
ચોમાસા દરમિયાન ગામોમાં પડી ગયેલા ખાડા મુદ્દે મનસુખ સાકરીયાનો વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લા પંચાયત કચેરીએ સામાન્ય સભાની બેઠક પ્રમુખ પ્રવીણાબેન રંગાણીનાં અધ્યક્ષસ્થાને અને ઉઉઘ અનંદુ સુરેશ ગોવિંદની હાજરીમાં મળી હતી. જેમાં કુલ 4 ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. આ સામાન્ય સભાની શરૂઆતમાં જ વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ સિંચાઈ સમિતિમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યા હતા. વિપક્ષના નેતાઓએ હંગામો મચાવી સિંચાઈ સમિતિમાં 35 કરોડનું કૌભાંડ થયું છે તેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. મનસુખ સાકરીયાએ પ્રશ્નો કર્યા હતા કે, ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ મગફળીનું બિયારણ જ્યાંથી લીધું છે તે કંપનીએ લૂંટ્યા છે જેમાં કેશોદ, જેતપુર, જુનાગઢ, ગોંડલની કંપનીનો સમાવેશ થાય છે. જેના જવાબમાં ખેતીવાડી અધિકારીએ કહ્યું કે, મગફળીના સેમ્પલ લેવાયા છે તેમાંથી કેટલાક સેમ્પલ ફેલ થયા છે તો તે કંપનીને નોટિસ અને દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય તેઓએ ચોમાસા દરમિયાન પડી ગયેલા ખાડા મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
નિવાસી અધિક કલેકટર, રાજકોટનાં પત્ર પરત્વે જેતપુરમાં નવા કોર્ટ બિલ્ડીંગ બનાવવા માટે માર્ગ અને મકાન(પં)પેટા વિભાગ-જેતપુર હસ્તક રહેલ સર્કીટ હાઉસની જમીન ફાળવવા કાર્યવાહી કરવાનો ઠરાવ મંજૂર કરાયો છે. જ્યારે 15માં નાણાપંચ જિલ્લા કક્ષાના વર્ષ 2020-21 થી 2024-25 સુધીના આયોજન અન્વયેના કામોમા સદસ્યોઓ દ્વારા સુચવ્યા મુજબ કામોમા હેતુ ફેરફાર કરવા અંગે નિર્ણય અને રાજકોટ જિલ્લાના વિવિધ વિભાગોમા કામ કરતી એજન્સીઓ-મંડળીઓ દ્વારા કામો વિલંબથી શરુ કરી પાછળથી મુદત વધારો માંગવામા આવે છે જે મુદત વધારો વાસ્તવિક પરીસ્થિતિ ચકાસીને આપવો જે બાબતે આજની સામાન્ય સભામા શિક્ષણ સમિતિ ચેરમેન અલ્પાબેન મુકેશભાઇ તોગડીયા તરફથી ઠરાવ કરવામાં આવ્યો છે જેને મંજૂરી અપાઈ છે.
સામાન્ય સભામાં કુલ 45 પ્રશ્નો મુકવામાં આવ્યા હતા જ્યારે તેમાં કુલ 27 પ્રશ્નો અંગે જ ચર્ચા થઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય કંચનબેન બગડા દ્વારા શિક્ષણને લગતા પ્રશ્નો પૂછ્યા હતા. જ્યારે તેમના સોલાર રૂફ ટોપ કેટલા મંજૂર કર્યા તે અંગે જણાવ્યું હતું કે, 530 ગ્રામ પંચાયતમાં રૂફટોપ લગાવી શકાય તેમ છે જ્યારે 65 પંચાયતમાં જગ્યા ઉપલબ્ધ નથી. 367 ગ્રામ પંચાયતમાં સોલાર રૂફ ટોપ લગાવવા માટે ગ્રામ પંચાયત દીઠ 1.10 લાખ અને કુલ 4.07 કરોડની રકમ મંજૂર કરાઈ છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 70 વર્ષથી વધુ 1.33 લાખ લોકોના વયવંદના હેઠળ સિનિયર સિટીઝન કાર્ડ નીકળી ગયા છે. જ્યારે જિલ્લામાં 198 આંગણવાડી કેન્દ્રો માટે નવા ભવન મંજૂર કરાયા છે. કુલ 1360 આંગણવાડીમાંથી 1007 પોતાની માલીકીની અને 227 ભાડાના મકાનમાં ચાલે છે. જ્યારે જે જર્જરીત આંગણવાડી છે તે ખાલી કરી ભાડાના મકાનમાં ચલાવવી જેથી કોઈને ઈજા ન પહોંચે.
124 ગ્રામ પંચાયતના નવા ભવનના નિર્માણ માટે મંજૂરી અપાઈ
પંચાયતના સદસ્ય પ્રવિણભાઈ ક્યાડાએ પ્રશ્ન કર્યો હતો કે, કેટલી નવી ગ્રામ પંચાયત મંજૂર કરવામાં આવી તેના જવાબમાં ડે.ડીડીઓએ કહ્યું કે, 124 ગ્રામ પંચાયતના નવા ભવનને મંજૂરી અપાઈ છે. અને હાલ જર્જરીત હોય તો તે પણ જાણ કરી શકે છે તેથી તેમની પણ સરકારમાં ગ્રાન્ટની માગ કરવામાં આવે
એરપોર્ટને વિજયભાઈ રૂપાણી ઇન્ટરનેશનલ એરપોર્ટ નામકરણ કરવા દરખાસ્ત
જિલ્લા પંચાયતની ગત કારોબારી સમિતિમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામા અવસાન પામેલા પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સ્મરાંજલી સ્વરૂપે રાજ્કોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને વિજયભાઈ રુપાણી ઇન્ટરનેશનલ એરપોર્ટ નામકરણ કરવા સરકારમાં ભલામણ કરવા અંગેના નિર્ણયના ઠરાવને મંજૂર કરાયો છે.



