સુરેન્દ્રનગરના હાસ્યકલાકાર અને સમાજસેવક મુખ્ય દાતા બન્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
સુરેન્દ્રનગરના મોટાભાગના એટલે 90 ટકા ડોક્ટર જ્યાં નોકરી કરી લોકચાહના મેળવી હાલ પોતાની પ્રાઈવેટ હોસ્પિટલ બનાવી ખૂબ નામ અને દામ કમાયા છે. એવી નાના માણસોની મોટી હોસ્પિટલ એટલે સી.જે. હોસ્પિટલ. આ હોસ્પિટલમાં આશરે 30 લાખ રૂપિયાના ખર્ચે સોલાર સિસ્ટમ કાર્યરત કરી હતી. જેમાં જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ 10 લાખ રૂપિયા આપ્યા હતા.
બાકીના 10 લાખ રૂપિયા જગદીશભાઈના પરિચિતો અને મિત્રવર્તુળમાંથી મળ્યા અને 10 લાખ શહેરના તબીબોએ અને સી.જે. હોસ્પિટલની કમિટી તરફથી પ્રાપ્ત થયા હતા. આ સોલાર સિસ્ટમનુ ઉદઘાટન પણ મુખ્ય દાતા તરીકે એમણે જ કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
શહેરનાં સમાજસેવક તબીબ ડો. પી.સી.શાહ, જૈન અગ્રણી ડી.વી.શાહ, ગાયનેક ડો.જયેશ આચાર્ય , નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, સમાજસેવિકા કલ્પનાબહેન ત્રિવેદી તેમજ શહેરના પ્રતિષ્ઠિત નાગરીકો અને સી.જે. હોસ્પિટલ કમિટીના સભ્યો પ્રમુખ છબીલભાઈ શેઠ, બંને ઉપપ્રમુખ ધનરાજભાઈ કૈલા અને ડો. રૂદ્રદત્તસિંહ ઝાલા તેમજ તમામ સ્ટાફ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ હોસ્પિટલમાં આ અગાઉ પણ જગદીશભાઈ ત્રિવેદીએ 11 લાખ રૂપિયાની સેવા કરી હતી. જેના કારણે આજે ડો. ઋષાલી મૌલિક ત્રિવેદી ડીઝીટલ એકસરે વિભાગ કાર્યરત છે.