ચાર વ્યાજખોરોએ તોતિંગ વ્યાજ ઉઘરાવી બાઈક અને મોબાઈલ પણ પડાવી લીધાં: ધમકીથી કંટાળી યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ : ગાંધીગ્રામ પોલીસમાં નોંધાતો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જામનગરના વ્યાજખોરોએ ઓટો બ્રોકર પાસેથી તોતિંગ 20 ટકા વ્યાજ વસુલતા યુવક હિજરત કરી પરીવાર સાથે રાજકોટ રહેવાં આવતો રહ્યો હતો. છતાં વ્યાજખોરએ હવાલો આપી સતત ઉઘરાણી કરતા યુવાને આપઘાતનો પ્રયાસ કરતા ગાંધીગ્રામ પોલીસે જામનગરના ચાર શખસો સામે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં રૈયા રોડ પર નેહરૂનગરમાં રહેતાં રીયાઝભાઈ હનીફભાઈ ખલીફા ઉ.39એ જામનગર રહેતા જગદીશ જેઠવાણી, જયરાજ લક્ષ્મણ લઈયા, પાર્થ લાભુ ગઢવી અને ઈમરાન અનવર ખેરાણી સામે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા આઠેક મહિનાથી ભાડેથી રહી ડ્રાઇવીંગ કામ કરે છે અગાઉ તે જામનગર માલિકીના મકાનમા રહેતો હતો. અઢારેક વર્ષ પહેલા પાનની દુકાન જે ભાડાથી ચલાવતો હતો ત્યારે પાનની દુકાન સામે જગદીશ જેઠવાણી રહેતા હતા 2010માં પાનની દુકાન બંધ કરી જામનગર હાપા ખાતે સેલ્વોરેટ ગાડીના શો-રૂમમા નોકરી કરતો હતો તે વખતે તેમની સાથે પાર્થ ગઢવી પણ આ જ શો-રૂમમા નોકરી કરતા હતા. જેથી તેની સાથે પણ મિત્રતા થઇ હતી 2016માં ગાડીનો શો-રૂમ બંધ થઈ જતા જામનગરમાં ગાડી લે-વેચ અંગેનો ધંધો શરૂ કર્યો હતો. તે કામમાં મિત્ર જગદીશ જેઠવાણી પણ ભાગીદાર હતો અને બન્નેએ ભાગીદારીના ધંધામાં થોડા થોડા રૂપિયા નાખી વાહન લે-વેચનો ધંધો શરૂ કરેલ બાદ ચારેક ગાડીમાં આશરે 10 લાખની ખોટ આવતા જગદીશ જેઠવાણી તેમની પાસેથી ગાડીના પુરા રૂપિયાની ઉઘરાણી કરી અવાર નવાર જામનગર ઘરે આવી અને રૂબરૂ બજારમાં મળતો ત્યારે પણ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ઉંચા વ્યાજ સાથે કુલ 20 લાખની માગણી કરતો હતો.
આશરે નવેક મહીના પહેલા ગમે ત્યાથી મારા રૂપિયાનુ કરી આપ અને રૂપિયા ન હોય તો તારા બે ચેક આપી જા તેમ વાત કહેતાં જગદીશ જેઠવાણીને રાજકોટ આવતા પહેલા બે કોરા ચેક સહીઓ કરી આપેલ હતાં તેમજ તેમના મિત્ર જયરાજ લૈયા, ઇમરાન ખેરાણી ને તેઓ અવારનવાર મળતા હતા જેને કારણે મિત્રતા થયેલ અને ધંધામા નુકશાની જતા રોકાણ માટે રૂપિયાની જરૂર પડતા આશરે એક વર્ષ પહેલા જયરાજ લૈયા પાસેથી 20% વ્યાજ લેખે રૂ.1.50 લાખ લીધેલ હતાં. જે બાદ તેને અઠવાડીયામા વ્યાજ સાથે કુલ રૂ.2 લાખ રોકડા એક સાથે તેમના ઘરે આપેલ હતા.
બાદ તેના પંદરેક દિવસ પછી ફરી ગાડીના ધંધા માટે રૂપિયા ની જરૂર પડતા લ તેઓને વાત કરતા તેઓએ 20% વ્યાજ લેખે કુલ રૂ.2 લાખ લીધેલ હતાં. અઠવાડીયામા તેને વ્યાજ સહિત કુલ રૂ.2.60 લાખ રોકડા આપેલ હતા ત્યાર બાદ ફરી બારેક દિવસ પછી રૂ.2 લાખ 20% વ્યાજે લેખે લીધેલ અને અઠવાડિયામાં વ્યાજ સાથે કુલ રૂ.1 લાખ તેને રોકડા આપેલ અને વ્યાજ સાથે તેને રૂ.1.60 લાખ આપવાના બાકી હતાં. તો જયરાજ તેઓ પાસે રૂ.3.85 લાખની માંગણી કરે છે દોઢેક વર્ષ પહેલા ગુલાબનગર સંજયચોક ખાતે રાત્રીના સમયે બાઈકમાં બે મોબાઇલ ફોન લઇને ઉભો હતો ત્યારે જયરાજ લૈયા તથા ઇમરાન ખેરાણી આવી બાઈક અને બંન્ને મોબાઇલ લઇ લીધેલ અને કહેલ કે, પૈસા લેતો આવ અને પછી જ ગાડી અને મોબાઇલ મળશે. જેથી તેમને કહેલ કે, હાલ મારી પરિસ્થિતિ નથી તમને રૂપિયા આપી દઇશ. તો જયરાજએ કહેલ કે, તો ચેક આપી દે, જેથી તેને બે કોરા ચેક આપેલ હતા. ચેક આપતા જ્યુપીટર તથા બંન્ને મોબાઇલ પરત આપી દિધા હતા.
વ્યાજખોર જયરાજ વ્યાજના રૂપિયા આપી દેવા દબાણ કરતો હતો અને પાર્થ ગઢવીએ કુલ રૂ.1.90 લાખ 10% વ્યાજ લેખે આ રૂપિયા આપેલ છે. તે પણ વ્યાજ સહિત રૂ. 2.50 લાખની પઠાણી ઉપરાણી કરતો હતો જગદીશ જેઠવાણી, જયરાજ લેયા તથા પાર્થ બઢવી ત્રણેય જણા પોતે તથા તેઓના મિત્ર ઇમરાન ખેરાણી મારફતે અવારનવાર રૂબરૂ તથા ફોન કરી તેમજ ઘરે જામનગર ખાતે આવીને ધમકીઓ આપતા હતા. જેથી ચારેય વ્યકતિઓના ત્રાસથી કંટાળીને તે1 પત્નિ અને દિકરી સાથે છેલ્લા આઠેક મહિનાથી રાજકોટ રહેવા આવી ગયેલ છે ત્રણેક મહિના પહેલા ઇમરાન ખેરાણીએ ફોન કરી રાજકોટ શીતલપાર્ક સર્કલ ખાતે ગાડી જોવા માટે બોલાવેલ અને ત્યા ગયેલ તો ઇમરાનએ કહેલ કે, તું જયરાજ, પાર્થ ગઢવી અને જગદીશના પૈસાનુ પતાવી દેજે નહિતર અઘરૂ પડી જશે તેમ કહી ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપેલ અને મારી ઉશ્કેરાઇ ગાળો આપેલ હતી. ઉપરાંત આરોપીઓ અવારનવાર ફોન કરી રૂપિયા આપી દેજે નહિતર તને ઉપાડી લેશુ અને તારી પત્નિ બાળકનુ વિચારજે તેમ કહી ધમકી આપતાં હતાં તેમજ પાર્થ ગઢવી ટેકસ મેસેજ તેમજ વોટ્સએપ કોલ કરીને ધમકી આપે છે. તેમજ ઇમરાન ખેરાણીનો ગઈ તા.30 ના રાત્રીના આશરે આઠેક વાગ્યે ફોન કરી ત્રણેયના વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી કહેલ કે, આ ત્રણેયના રૂપિયાનુ આજ રાત સુધીમાં કરી આપજે નહીંતર તને ઉપાડી જામનગર લઇ જવો પડશે તેમ ધમકી આપતા ફરીયાદી ભયભીત થઈ પોતાના ઘરે નેહરૂનગર ખાતે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે જામનગરના ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી છે.