ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં માત્ર વોર્ડ નં-15ના 4 કોર્પોરેટરો જ વિપક્ષ છે જ્યારે અન્ય પક્ષના છે ત્યારે હાલ ચોમાસાના લીધે શહેરમાં ચારેબાજુ રસ્તાનું ધોવાણ થઈ ચૂક્યું છે ત્યારે આજે જનરલ બોર્ડ હોવાથી વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, કોર્પોરેટર કોમલ ભારાઈ, મકબુલ દાઉદાણી, ભાનુબેન સોરાણી પાટા બાંધીને આવ્યા હતા અને વિરોધ કર્યો હતો કે, શહેરના લોકોની આવી હાલત છે. રોડ પર ઠેર ઠેર મોટા અને જોખમી ખાડા પડી ગયા છે. આ ખાડાઓ વાહનચાલકો માટે સતત જોખમ ઊભું કરી રહ્યા છે. નાના વાહનચાલકો જેવા કે દ્વિચક્રીય વાહનચાલકો અને સાયકલ ચાલકોને આ ખાડાઓના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ખાડાઓમાંથી પસાર થતી વખતે વાહનચાલકોને ઝટકા લાગે છે, જેના કારણે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.
- Advertisement -
ગંભીર સમસ્યા પ્રત્યે રાજકોટ મહાપાલિકાનું ધ્યાન દોરવા માટે કોંગ્રેસે આ અનોખો માર્ગ અપનાવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં હાથ ધરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી છે. મેદાન પર તેની કોઈ અસર જોવા મળી નથી. ચોમાસાની શરૂઆત થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. જો સમયસર આ ખાડાઓની મરામત કરવામાં નહીં આવે તો વરસાદ વધુ પડતા આ ખાડાઓ જીવલેણ બની શકે છે.