લખતર તાલુકા ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા TDOને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
લખતર તાલુકામાં ગત વર્ષે થયેલા અતિભારે વરસાદમાં ખેડૂતોને પાક નુકશાની થતા તેના વળતર માટે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકારે વળતર તો જાહેર કર્યું છે. પરંતુ તે ચૂકવવામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો લખતર પંથકમાં ઉઠી છે. જેને લઈને ખેડૂત હિતરક્ષક સમિતિ લખતર તાલુકા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.
ગત વર્ષે ચોમાસામાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર -2024 માં અતિભારે વરસાદને કારણે લખતર તાલુકાના ખેડૂતોને મોટાપાયે પાક નુકશાની થઈ હતી. જે અંગે કોઈ સહાયની જાહેરાત ન થતા તાલુકા ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા રેલી સ્વરૂૂપે આવેદન લખતર મામલતદારને આપી વળતરની માંગ કરાઈ હતી. તા.18 જુલાઈએ લખતર તાલુકા ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
જેમાં તાલુકાના કેટલા ખેડૂતોએ વળતરની અરજી કરેલી, કેટલાં ખેડૂતોને ક્યાં આધારે સહાય ચૂકવાઈ તેમજ જે ખેડૂતોને સહાય નથી મળી તે અંગે માહિતી ટીડીઓ પાસે માંગી હતી.આ દરમિયાન પાટડી વિક્રમ રબારી, પાટડી અશોક પટેલ તેમજ તાવીના શક્તિસિંહ રાણા સહિતના ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.