સોલાર રૂફટોપ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર ભાર
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ખાસ કરીને જિલ્લા અને તાલુકા પંચાયતોના માળખાને વધુ સંગીન અને સુવિધાસભર બનાવવાના અભિગમ હેઠળ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
નાગરિકોને પૂરતી સગવડ મળી રહે તેવા અદ્યતન અને મોકળાશવાળા તાલુકા પંચાયત ભવનોના નિર્માણ માટે 2025-26ના બજેટમાં કુલ 65 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ તાલુકા પંચાયતોના ભવનોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ દ્વારા સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરવા પ્રેરણા આપી છે. વિજ બિલનું ભારણ ઓછું કરીને આત્મનિર્ભર બનવાના ઉદ્દેશ્યથી, 104 તાલુકા પંચાયતોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ કાર્યરત છે અને વધુ 27માં આવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું કાર્ય પ્રગતિમાં છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “કેચ ધ રેઈન” આહવાનને ઝીલી લઈને, ગુજરાતના 31 તાલુકા પંચાયત ભવનોમાં વરસાદી પાણીના સંગ્રહની (રેઇન વોટર હાર્વેસિ્ંટગ) વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે.
રાજ્યની 211 તાલુકા પંચાયતો પાસે પોતાના ભવન છે.
હવે મુખ્યમંત્રીએ વધુ 11 તાલુકા પંચાયતોના નવા મકાન બાંધકામ માટે વહીવટી મંજૂરી આપી છે, જેના માટે કુલ 12.45 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જારી કરાયેલા ઠરાવ અને માર્ગદર્શિકા મુજબ, નવા ભવનોની ડિઝાઇન અને યોજનાના અમલીકરણમાં સુરક્ષા-સેફ્ટીના ધારાધોરણો તથા ૠજઉખઅની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત, નવા બનનારા આવા ભવનોમાં રેઇન વોટર હાર્વેસિ્ંટગ સ્ટ્રક્ચરની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવાની રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી તાલુકાથી લઈને જિલ્લા પંચાયત સ્તર સુધી વધુ સુવિધા સભર કચેરીઓનું નિર્માણ થશે, જેનાથી લોકોને પણ સુગમતા અને વધુ સુદ્રઢ સેવા માળખું પ્રાપ્ત થશે. આ અંગેના વિધિવત ઠરાવો પણ સંબંધિત વિભાગ દ્વારા જારી કરી દેવાયા છે.આ ઉપરાંત, રાજ્યના અન્ય 6 તાલુકાઓ (લાઠી, કુંકાવાવ, વેરાવળ, ડીસા, મહુવા અને ગાંધીનગર) જ્યાં તાલુકા પંચાયતના મકાનો બનાવવાની કામગીરી પ્રગતિમાં છે, ત્યાં મુખ્યમંત્રીએ કુલ 20.55 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
- Advertisement -
કયા તાલુકાઓઓમાં નવા ભવનો બનશે?
ડાંગ – આહવા
અમદાવાદ – દસક્રોઈ, દેત્રોજ
ખેડા – માતર
છોટાઉદેપુર – ક્વાંટ
પાટણ – સાંતલપુર
બનાસકાંઠા – વાવ
ભાવનગર – પાલીતાણા, શિહોર
મહીસાગર – લુણાવાડા
રાજકોટ – ગોંડલ