વહીવટી અને પોલીસ તંત્રએ કામગીરી ફક્ત મિટીંગો કરીને સંતોષ માન્યો: ભરૂડી ટોલપ્લાઝા નજીક આખા ચાર કલાકનો ટ્રાફિક જામ
તંત્રની કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ હોવાનું ફરીવાર સાબિત થયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર આજ રોજ ફરી એકવાર શાપર-વેરાવળ નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. છેલ્લા કેટલાય સમયથી હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગવી અને કલાકો સુધી વાહનચાલકો ફસાઈ રહેવી હવે રોજની સમસ્યા બની ગઈ છે.ગત રવિવારની રાત્રે તો ભરૂડી ટોલપ્લાઝા નજીક આખા ચાર કલાકનો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને કારણે લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બે દિવસ અગાઉ જ જિલ્લા કલેક્ટરે સમગ્ર હાઇવેની કામગીરીની સમીક્ષા કરી હતી અને ખાસ કરીને ટ્રાફિક વ્યવસ્થા તથા બિસ્માર રસ્તાઓને લઇ તંત્રને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. તેમ છતાં તંત્રની કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ હોવાનું ફરીવાર સાબિત થયું છે. છેલ્લા 3-4 મહિનાથી લોકો ટ્રાફિકની તીવ્ર સમસ્યાથી ત્રસ્ત છે. રાહદારીઓ, કામદારો અને રોજીંદા મુસાફરી કરનારા માટે આ રસ્તો દુ:ખદ યાત્રા સમાન બની ગયો છે.
હાઇવે હક્ક આંદોલન સમિતિ લાંબા સમયથી રવાના માર્ગોની બિસ્માર હાલત, ટોલ વસુલાતમાં ભ્રષ્ટાચાર અને વ્યવસ્થાપનના અભાવના મુદ્દાઓને લઇ સતત અવાજ ઉઠાવતી રહી છે. પરંતુ તંત્ર અને સરકારના ખોખલા દાવાઓ, ખોટી જાહેરાતો અને ભ્રમજનક ભાષણો જનતાને વધુ પડતા ગુસ્સે તરફ દોરી રહ્યા છે.



