દુદાપુર અને ધ્રાંગધ્રાના ખેડૂતોએ ઇઝરાયેલી ખારેકનું ગત વર્ષે 18 ટન સુધી ઉત્પાદન મેળવ્યું!
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં ખેડૂતો ખારેકની ખેતીથી સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. દુદાપુર ગામના સુભાષ પટેલ અને ધ્રાંગધ્રાના ઘનશ્યામભાઈ પટેલે ઇઝરાયેલી ખારેકના વાવેતર દ્વારા નોંધપાત્ર સફળતા મેળવી છે. સુભાષભાઈ પટેલે 62 વીઘામાં 550 ખારેકના રોપા વાવ્યા છે. ગત વર્ષે તેમને 17-18 ટન ઉત્પાદન મળ્યું હતું. આ વર્ષે 30 ટન ઉત્પાદનની અપેક્ષા છે. ભાવ પણ ગત વર્ષના 40-45 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 70-80 રૂપિયા પ્રતિ કિલો થયો છે. ઘનશ્યામભાઈએ 100 વીઘામાં 350 ઇઝરાયેલી ખારેકના રોપાનું વાવેતર કર્યું છે.
- Advertisement -
શરૂઆતમાં સરકારી સહાય અંતર્ગત એક રોપા દીઠ 1250 રૂપિયાની સબસિડી મળી હતી. જ્યારે એક રોપાની કિંમત 3750 રૂપિયા હતી. પહેલા કપાસ અને જીરું જેવા પારંપરિક પાકોમાં ખર્ચ વધારે અને આવક ઓછી મળતી હતી. આ ખેડૂતોનું ઉત્પાદન બેંગલોર, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં વેચાય છે. બાગાયત ખેતીથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. આ સફળતાને જોઈને અન્ય ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.
દરેક ખેડૂત મિત્રોને અનુરોધ કરતા તેમણે ઉમેર્યું હતું કે,દરેક ખેડૂત મિત્રોએ રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતી અપનાવી જોઈએ.જેથી લોકોને ઝેરમુક્ત ખોરાક અને સારૂ સ્વાસ્થ્ય મળી રહે.ખારેકના ઉત્પાદન અને વેચાણ વિશે માહિતી આપતા ખેડૂતોએ પ્લાન્ટ દીઠ આશરે 100થી 125 કિ.ગ્રા.ખારેકનું ઉત્પાદન થાય છે.ખારેકનું વેચાણ રાજ્યના વિવિધ જીલ્લાઓમાં તેમજ આજુબાજુના ગામડાઓમાં અને સૌરાષ્ટ્રમાં પણ પોતાની ખારેકનું વેચાણ કરે છે.
બાગાયત અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર,સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે-દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધી રહ્યો છે.જિલ્લાના મુખ્ય બાગાયતી પાકો તરીકે ખેડૂતો ખારેક,દાડમનું વાવેતર કરી રહ્યા છે.સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભોથી પણ ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે.તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને સરકારની વિવિધ સબસીડી યોજનાઓનો લાભ લઇ બાગાયતી ખેતી અપનાવવા જણાવ્યું હતું.