પીએમ રૂમ, નર્સિંગ હોસ્ટેલની આજુબાજુ પાણી ભરાતા હાલાકી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ઠેર ઠેર વરસાદી પાણીનો જમાવડો થતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ પાણી જમા થતા ગંદકી સાથે મચ્છરોનો સમ્રાજ્ય સર્જાતા હોસ્પિટલમાં જ માંદા પડવાનો ઘાટ સર્જાયો છે. સુરેન્દ્રનગર શહેરમાં 400થી ઓપીડી ધરાવતી સરકારી હોસ્પિટલમાં શહેરી તેમજ ગ્રામ્ય પંથકમાં લોકો સારવાર માટે આવે છે.
- Advertisement -
પરંતુ આ હોસ્પિટલમાં તબીબોની અછતના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. ત્યારે આ હોસ્પિટલના અનેક સ્થળોએ વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. આથી વોર્ડ, પીએમ રૂમ, ક્ષય આરોગ્ય કેન્દ્રના કર્મીઓ, સારવાર માટે આવતા દર્દીઓ અને તેના પરિવારજનો તેમજ વિદ્યાર્થિનીઓ, હોસ્પિટલના કવાટર્સોમાં રહેતા કર્મીઓના પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
વરસાદી પાણીના કારણે ઠેર ઠેર જગ્યાએ ગંદકી સાથે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ અંગે રાહુલભાઈ પરમાર, ભાવેશભાઇ મકવાણા વગેરેએ જણાવ્યું કે, આ સ્થળે ગંદા પાણીથી પોરા સાથે મચ્છરો સહિતના જીવજંતુઓ વધતા દિવસે કે રાત્રિના સમયે હાલાકી ભોગવવી પડે છે. દર્દીની સારવાર દરમિયાન તેની સાથે લોકોને પણ રોગચાળાનો ભય રહે છે. કેટલીક પરિસ્થિતિમાં તો જો પીએમનો કેસ આવ્યો હોય તો પાણીમાંથી પસાર થવુ પડી રહ્યુ છે. ત્યારે પીએમ રૂમ, નર્સિંગ હોસ્ટેલ સહિતની આજુબાજુ હોસ્પિટલમાં ભરાઇ રહેલા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.



