તા. ૧૯-૦૯-૨૦૨૧ સુધી રાત્રી કર્ફ્યુ રાત્રીના ૨૪/૦૦ વાગ્યાથી લાગુ થશે
રાજકોટ, તા. ૧૫, સપ્ટેમ્બર : આ વર્ષે કોવીડ-૧૯ની ગાઇડ લાઇન મુજબ ગણેશ મહોત્સવ-૨૦૨૧ નિમીતે રાજકોટ શહેરમાં જુદા જુદા મહારાષ્ટ્રીયન મંડળો તથા જુદા જુદા સંગઠન તરફથી જુદા જુદા લતાઓમાં તેમજ મહોલ્લાઓમાં અને લોકો પોતાના ધરમાં દુકાનોમાં અને સંસ્થાઓમાં પણ ભગવાનશ્રી ગણેશજીની મુર્તીઓની સ્થાપના કરે છે. અને આ સ્થાપના કરેલ ગણપતિજીની મુર્તીઓને તા.૦૯/૦૯/૨૦૨૧થી તા.૧૯/૦૯/૨૦૨૧ના સુધી મુર્તીઓનું પુજન અર્ચન બાદ મૂર્તીઓને પાણીમાં વિસર્જીત કરી ગણેશ ઉત્સવનું સમાપન કરવામાં આવનાર છે.
જેને અનુલક્ષીને ફોજદારી કાર્યરીતી અધિનીયમની કલમ ૧૪૪ નીચે મનોજ અગ્રવાલ પોલીસ કમિશ્નર, રાજકોટ શહેરે તા. ૨૬-૮-૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરેલ જાહેરનામામાં સુધારો કરી રાજકોટ શહેર કમીશ્નરેટ વિસ્તારમાં મુકવામાં આવેલ નિયંત્રણોની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. તા. ૧૯-૦૯-૨૦૨૧ સુધી રાત્રી કર્ફ્યુ રાત્રીના ૨૪/૦૦ વાગ્યાથી લાગુ થશે.જયારે ગણેશ પંડાલ / મંડપમાં રાત્રીના ૨૩/૦૦ કલાક સુધી જ દર્શન ચાલુ રાખી શકાશે. સાથો સાથ કોરોનાને અનુલક્ષીને સરકાર દ્વારા બહાર પાડેલ એસ.ઓ.પી. નું પાલન કરવાનું રહેશે.
- Advertisement -
આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ૪ ફૂટની જયારે ઘરમાં મહતમ બે ફૂટની ગણેશની મૂર્તિનું સ્થાપન કરી શકાશે. પુજા આરતી તેમજ પ્રસાદનું વિતરણ કરી શકાશે પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં. ગણેશ મુર્તિ સ્થાપન તેમજ વિસર્જન માટે મહત્તમ ૧૫ વ્યક્તિઓ એકજ વાહનમાં મારફત કરી શકશે. ઘર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશનું વિસર્જન ઘર પર જ કરવામાં આવે તે હિતાવહ રહેશે. સાર્વજનિક ગણેશ સ્થાપનનું વિસર્જન સ્થાનિક સત્તામંડળ દ્વારા તૈયાર કરેલ કુત્રિમ વિસર્જન કુંડમાં વિસર્જન કરવાનું રહેશે. આ પધ્ધતિ સિવાયની કોઇ પણ પધ્ધતિથી મૂર્તિ વિસર્જન થઇ શકશે નહી. અન્યથા આ જાહેરનામાનો ભંગ ગુનો બનશે.