ટેરિફવોર યુદ્ધ સહિતની સ્થિતિને કારણે શેરબજારની અનિશ્ચિતતાની અસર રોકાણકારો પર પડી
ગુજરાતમાં એકંદરે 52600 નવા રોકાણકાર સર્જાયા જે અગાઉના 1.04 લાખના આંકડા કરતા 63% ઓછા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
દેશમાં અમેરિકી ટેરિફ વોર સહિતના કારણે શેરબજારમાં સર્જાયેલી અનિશ્ચિત પરીસ્થિતિ વચ્ચે શેરબજારમાં જે અફડાતફડીનું વાતાવરણ સર્જાયુ હતું તેમાં એક સમયે રોકાણ માટે દેશભરમાં જાણીતા અમદાવાદ અને સુરતમાં પ્રથમ વખત ઈકિવટી ઈન્વેસ્ટર રજીસ્ટ્રેશનમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ગુજરાત એ શેરબજારમાં રોકાણ માટે દેશભરમાં જાણીતુ છે અને મુંબઈ શેરબજારમાં પણ ગુજરાતીઓનો દબદબો છે તે વચ્ચે હવે માર્કેટની મંદીની અસર રોકાણકારો પર પડી રહી હોય તેવી સ્થિતિ છે. સુરતમાં નવા ઈકિવટી રજીસ્ટ્રેશનમાં એપ્રિલ-મે માસમાં 64 ટકા જેવો ઘટાડો નોંધાયો છે.
જયારે અમદાવાદમાં તે ઘટાડો 62 ટકા જેવો છે. નેશનલ સ્ટોક એકસચેંજના રિપોર્ટ મુજબ આ આંકડા આપવામાં આવ્યા છે. જો કે આ બંને હજુ પણ દેશના ટોચ 10 રોકાણકાર જીલ્લાઓમાં સ્થાન ધરાવે છે.
અમદાવાદમાં ઈકિવટી ઈન્વેસ્ટરમાં 10 હજાર અને સુરતમાં 9400 નવા રજીસ્ટ્રેશન થયા છે અને એકંદરે રાજયમાં 56200 નવા રોકાણકાર સાથે એક કરોડનો ઈન્વેસ્ટર આંકડો પાર થઈ ગયો છે. સ્ટોક બ્રોકર્સના મંતવ્ય મુજબ શેરબજારમાં જે રીતે અફડાતફડીની સ્થિતિ બની છે તેના કારણે નવા રોકાણકારોને બ્રેક લાગી ગઈ છે.
પરંતુ જેમ જેમ માર્કેટ સ્થિર થતુ જશે તેમ તેમ રોકાણકાર ફરી એક વખત બજારમાં આવી જશે. સુરતમાં એપ્રિલ-મે માસ દરમ્યાન ફકત 8800 નવા રોકાણકાર નોંધાયા છે જે અગાઉની સંખ્યા 24 હજાર કરતા ઓછી હતી જયારે અમદાવાદમાં 9200 નવા રોકાણકાર નોંધાયા છે. જે અગાઉના વર્ષના 24 હજાર નોંધાયા જે અગાઉના વર્ષોના નવા રોકાણકાર સામે ઘટાડો દર્શાવે છે.
જો કે ઉતરપ્રદેશમાં 14 ટકા, મહારાષ્ટ્રમાં 12 ટકા, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં 7 ટકા, બિહારમાં 6 ટકા આમ પાંચ રાજયોએ કુલ નવા રોકાણકારમાં 40 ટકા જેવો ફાળો આપ્યો છે.
જો કે તમામ રાજયોએ નવા રોકાણકારમાં અગાઉના રેકોર્ડ કરતા ઓછી નોંધણી કરી છે. ગુજરાતમાં એકંદરે 52600 નવા રોકાણકાર સર્જાયા જે અગાઉના 1.04 લાખના આંકડા કરતા 63 ટકા ઓછા હતા.