ખનિજ માફિયાઓ દ્વારા ચેકડેમ પણ તોડી પાડ્યો હોવાની સરપંચ દ્વારા રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી બેફામ ખનિજ ચોરી સામે તંત્ર માત્ર મૂકપ્રેક્ષક બનીને રહી ચૂક્યું છે. જિલ્લાના અનેક તાલુકામાં રેતી, પથ્થર, કોલસો, માટી સહિતની કિંમતી ખનિજનું ગેરકાયદેસર ખનન કરી ખનિજ માફીયાઓ લાખ્ખો રૂપિયા કમાઈ રહ્યા છે. જેની સામે પ્રકૃતિને નુકશાન થઈ રહ્યું છે. ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં પણ ઠેર ઠેર રેતીના ગેરકાયદેસર વોશ પ્લાન્ટ ચાલુ છે જેની સામે તંત્રને અનેક રજુઆત બાદ પણ કાર્યવાહી થતી નથી. જેમાં છેલ્લા કેટલાક સમયથી ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે સીમ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર રેતીના ખનન અને વોશ પ્લાન્ટ ધમધમી રહ્યા છે જેની સામે સ્થાનિક સરપંચ રતનસિંહ ઠાકોર દ્વારા અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્ર ધ્યાન નહીં આપતું હોવાના આક્ષેપ કરાયા છે. જેને લઇ ફરી એક વખત સરપંચ રતનસિંહ ઠાકોર દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરી હતી જેમાં રાવળીયાવદર ગામના ખોડિયાર માતાજીના મંદિર પાસે ગેરકાયદેસર રેતીનું ખનન અને વિશ પ્લાન્ટ ધમધમી રહ્યા હોવાનું અને આ ખનિજ માફીયાઓ દ્વારા ચેક ડેમ પણ તોડી પાડ્યો હોવાની રજૂઆત કરાઈ છે આ પ્રકારે છેલ્લા અનેક વર્ષોથી ગેરકાયદેસર રેતી ખનન કરી વોશ પ્લાન્ટ ચલાવી રહ્યા છે જે ગેરકાયદેસર રેતીને વહન કરતા દરરોજ 30થી વધુ વાહનો નંબર પ્લેટ વગર માતેલા સાંઢની માફક દોડતા નજરે પડે છે જેને લઇ ગ્રામ્ય વિસ્તારના સિંગલ પટ્ટી રોડ પર રાહદારીઓ અને ગ્રામજનોને જીવનું જોખમ ઉભું થાય છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા રેતી ખનન સામે કોઈ કાર્યવાહી નહીં કરતા ગ્રામજનો દ્વારા પણ તંત્ર વિરુધ રોષ વ્યક્ત કર્યો છે.



