રાત્રે 10 વાગ્યે વરસાદે શરુ કરેલું સર્ચ ઓપરેશન વહેલી સવારે 4 વાગ્યે પૂર્ણ થયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અભયમની ટીમે કોલીથડ ગામે શ્રમિક પરિવારની ભૂલી પડેલી દીકરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પરિવારથી વિખુટી પડેલી કિશોરી બે દિવસ સુધી અનેક ખેતર ખૂંદી વળી પણ પરિવારજનોનો ક્યાંય પતો ના લાગ્યો. પરગજુ લોકો જમવાનું આપે, કિશોરીને રાતવાસો કરાવે. આવા સમયે બારીયા ગામના જાગૃત સરપંચ મદદે આવ્યા અને કિશોરીને તેના પરિવારજનો સાથે મેળાપ કરાવવા મદદરૂપ બનતી 181 અભયમ ટીમને બોલાવી હતી. ત્યાર બાદ 181 ની ટીમ સ્થળ ઉપર પહોંચી 16 વર્ષીય પીડિત દિકરીને મળી આપવીતી જાણી. દીકરી પરિવારથી વિખુટી પડતા ખુબ દુ:ખી હતી. તેણે રડતાં-રડતાં પોતાની આપવીતી જણાવી ત્યારે સૌ પ્રથમ પીડિત દીકરીને ટીમના કાઉન્સેલર ચૌધરી લતાબેન અને એલ.આર.ડી. રોશનીબેન હિંમત આપી દીકરીને વિશ્વાસમાં લઈ કાઉન્સેલિંગ કર્યું હતું. કોલીથડ બસ સ્ટેન્ડથી રસ્તો ખબર છે તેમ કિશોરીએ કહ્યું. એટલે 181 ની ટીમે રાત્રે ચાલુ વરસાદે કોલિથડના સરપંચને સાથે રાખી દીકરી જે રસ્તો બતાવે એ પ્રમાણે આજુબાજુ બધા વાડી વિસ્તારમાં તપાસ હાથ ધરી.
જે દરમિયાન પુછપરછ કરતાં એક અન્ય મજુર બેને એમના પરિવારજનોના નામ પુછતા દીકરી એ એમના પિતા અને દાદાનુ નામ જણાવેલ. જે પરથી એ બેનના દૂરના સંબંધીની દીકરી હોવાનુ માલુમ પડ્યું. ત્યારબાદ એમની મદદથી તેમના પરિવારજનોનો કોન્ટેક્ટ નંબર મેળવી દીકરીના પરિવારના સભ્યોને બોલાવી ઓળખ બાદ તેમના પરિવારજનોને પરત સોંપી હતી.