નાનામવા નજીક આવેલા જગન્નાથ મંદિરે શોભાયાત્રાની તૈયારીઓ શરૂ
27 જૂને અષાઢી બીજનો ઉત્સવ ઉજવાશે અને જગન્નાથજી નગરચર્યાએ નીકળશે
જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથ સુશોભિત કરાયા: શોભાયાત્રામાં અઘોરી બાવાઓનું નૃત્ય, વૃંદાવનની રાસ મંડળી સહિતના આકર્ષણો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી 27 જૂનનાં અષાઢી બીજની ભવ્ય શોભાયાત્રા યોજાશે, જે અંતર્ગત રાજકોટનાં નાનામૌવા નજીક આવેલા જગન્નાથ મંદિરે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. અગાઉ કળશયાત્રા યોજાઈ હતી ત્યારે આજે ભગવાનની મામેરા વિધિ મહંત 1008 મહા મંડલેશ્વર ત્યાગી મનમોહનદાસજી ગરુ રામકિશોરદાસજી દ્વારા કરવામાં આવી હતી. આ તકે ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી 27 જૂનને શુક્રવારે સવારે 8:00 વાગ્યે જગન્નાથ મંદિરેથી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થશે. જેમાં રથની પહિંદ વિધિ રાજકોટના રાજવી ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવશે. શહેરના હજારો શ્રદ્ધાળુઓ ભક્તિ ભાવપૂર્વક જોડાશે અને શહેરના મુખ્યમાર્ગો જય જગન્નાથના નાદ ગૂંજી ઉઠશે. રથયાત્રામાં કેટલાક ફ્લોટ્સ પણ જોડાશે. આ રથયાત્રા કૈલાસધામ આશ્રમથી રથયાત્રા શરૂ થશે અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી સાંજે ભગવાન જગન્નાથ નિજ મંદિરે પરત ફરશે.
આ રથયાત્રામાં ધાર્મિક, સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. જેના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ માટે વિવિધ કમિટીની રચના કરવામાં આવી છે. રથયાત્રા દરમિયાન અંદાજે મગનો પ્રસાદ પણ તૈયાર કરવામાં આવશે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ રથયાત્રામાં લોકોને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે.



