ડૉ.ઓમ પ્રકાશે રાજકોટના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો
લોકમેળા અંગે નવનિયુક્ત કલેક્ટર શું નિર્ણય લેશે તેના ઉપર સૌની નજર
- Advertisement -
વર્ષ 2018-19માં ડૉ.ઓમ પ્રકાશ રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ડો.ઓમ પ્રકાશે આજે વિધિવત રીતે આજે રાજકોટના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. આ તકે ડો. ઓમ પ્રકાશે મીડિયા સમક્ષ વાત કરી હતી કે, જે ક્ષેત્રમાં વધુ જરૂરીયાત હશે તેને પ્રાથમિકતા અપાશે. છેવાડાના માનવીને પ્રાથમિક જરૂરીયાત મળે અને સરકારની કોઈ સ્કીમથી વંચિત ન રહે તે માટે બનતા પ્રયત્ન કરીશુ. નાનામાં નાના માણસને એવું ફીલ થાય કે, આ સરકાર અમારા માટે કામ કરી રહી છે. અગાઉ પણ રાજકોટમાં ગ્રામ્યના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી છે તેથી અહીંની પરિસ્થિતિથી વાકેફ છું મારૂં આ સૌરાષ્ટ્રમાં ત્રીજું પોસ્ટિંગ છે. રાજકોટ જિલ્લાના વિકાસ માટે શુ કરવું તેની અધિકારીઓ સાથે ચર્ચા કરીશ.
લોકમેળાના પ્રશ્ન અંગે નવનિયુક્ત કલેક્ટર ડો.ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, આજે મારી લોકમેળાને લઈને પ્રથમ મિટીંગ છે સરકારે બનાવેલી એસઓપીને લઈને અમે પ્રાંત અધિકારી સાથે ચર્ચા કરીને લોકમેળા અંગે નિર્ણય કરીશુ. ઉલ્લેખનીય છે કે, લોકમેળાના 238 સ્ટોલમાંથી માત્ર 20 ફોર્મ ભરાયા છે. લોકમેળાના સંચાલકોએ કલેક્ટર પાસે ફજતફાળકા, ચકરડી વગેરે ઈસ્ટોલ કરવા માટે સ્ટાન્ડર્ડ એસઓપીમાં છૂટછાટ આપવા માટે માંગ કરી હતી ત્યારે આ અંગે નવા કલેક્ટર શું નિર્ણય લેશે તેની ઉપર સૌની નજર રહેશે.
- Advertisement -
આ સિવાય રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે અંગે કહ્યું હતુ કે, નેશનલ હાઈવે ઓથોરીટી સાથે સંકલન મિટીંગ કરીને આ રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવા પ્રયાસ કરીશું. ડો. ઓમપ્રકાશ મૂળ રાજસ્થાનના બાડમેરના વતની છે અને એમ.બી.બી.એસ., ડી.પી.એચ.નો અભ્યાસ કરેલો છે. આ અગાઉ, તેઓ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજરત હતા. તેમનો અગાઉના કાર્યકાળ જોઈએ તો તેઓએ અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસપિલ કમિશનર તરીકે દોઢ વર્ષ અને મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોણા ત્રણ વર્ષ ફરજ બજાવી છે. રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી તરીકે તેઓ 8-10-2018થી લઈને 17-12-19 સુધી ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં વિવિધ નાયબ કલેક્ટરના ચાર્જ પણ તેમણે વહન કર્યા છે. તેઓ ગીર સોમનાથ જિલ્લામાં પ્રોબેશનરી આઈ.એ.એસ. તરીકે રહી ચૂક્યા છે.



