વ્યાજબી ભાવની સરકારી દુકાનના લાઇસન્સના હુકમની જોગવાઇ અને શરતોના ઉલ્લંઘન મુદ્દે ગુનો નોંધાયો હતો
શંકા ગમે તેટલી મજબૂત હોય તે પુરાવાનું સાબિતનું સ્થાન લઈ શકે નહીં : એડવોકેટ સુરેશ ફળદુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બક્ષીપંચ જાતિ પ્રગતિ મંડળ નામની વ્યાજબી ભાવની દુકાનના પ્રમુખ તથા સંચાલકો સામે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના પુરવઠા નિરીક્ષક દ્વારા કરવામાં આવેલી તપાસમાં અનેક ક્ષતિઓ, ત્રુટિઓ અન્વયે કલેકટરના આદેશથી પ્રમુખ ઈકબાલ ગફારભાઈ લીંગરીયા સંચાલકો કિશોર નારણભાઈ ડાંગર, અસ્લમ મુસાભાઈ ડેરૈયા વિરુદ્ધ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ વર્ષ 2007માં દાખલ થયેલા ગુનાના કામે પુરાવાના અભાવ હોય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવ્યો છે.
કેસની હકીકત મુજબ પ્રમુખ ઈકબાલભાઈ ગફારભાઈ લીંગરીયા સંચાલકો કિશોરભાઈ નારણભાઈ ડાંગર, અસ્લમભાઈ મુસાભાઈ ડેરૈયાનાઓએ વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાનના લાઈસન્સના હુકમની જોગવાઈઓ અને શરતો તેમજ કરારખતની શરતોનું ઉલ્લંઘન કરી ગુનો આચર્યા અંગે પુરવઠા નિરીક્ષક અને અધિક મામલતદાર કે. આર. ગઢીયા દ્વારા કલેકટરના હુકમના આધારે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં 30-10-2007ના રોજ ગુનો દાખલ કરાવ્યો હતો, જે કામે તપાસ પૂર્ણ કરી 32 સાહેદો સાથેનું ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.
- Advertisement -
ઉપરોક્ત કેસ ચાલવા પર આવતાં ફરિયાદપક્ષે ચાર્જશીટ મુજબના 20 સાહેદોને તપાસી 45 દસ્તાવેજી પુરાવા રજૂ કરી પોતાનો કેસ શંકાથી પર પૂરવાર કર્યો હોય આરોપીને મહત્તમ સજા કરવા કરેલી રજૂઆત સામે આરોપીઓના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા રજૂઆત કરાઇ હતી કે સરકાર પક્ષે તપાસવામાં આવેલા સાહેદોના પુરાવામાં મહદ્અંશે વિરોધાભાસ છે, રેકર્ડ પરના તમામ પુરાવામાં કોઈ જ જગ્યાએ આરોપી અસ્લમભાઈ ડેરૈયાને દુકાનનું સંચાલન સોંપવામાં આવ્યુ હોય તેવું ફલિત થતું નથી તેમજ દુકાનના પ્રમુખે દુકાનનું સંચાલન કરી ક્ષતિઓ કે ત્રુટિઓ રાખી હોય તેવા પણ રજૂ પુરાવા પરથી ફલિત થતું નથી, રેકર્ડ પર રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાનું સાહેદોને નોલેજ નથી, કલેકટર દ્વારા આપવામાં આવેલી સત્તાપત્રને એફ.આઈ.આર.માં રૂપાંતરિત કરવામાં આવી છે, કોઈ સાહેદો પ્રોસિક્યુશનને સમર્થન કરતાં નથી, 96 વ્યવહારો શંકાસ્પદ હોવા સંબંધેનો કોઈ દસ્તાવેજી પુરાવો કે નિવેદનો રેકર્ડ પર આવ્યા નથી, જે તે સમયના ડી.એસ.ઓ. બરંડા કે જેઓ દ્વારા આરોપીઓ પાસે કરવામાં આવેલી ગેરકાયદેસરની માગણી ન સંતોષાતા હાલનો ખોટો કેસ કરવામાં આવ્યો અને આ કેસના આરોપી અસ્લમભાઈ ડેરૈયાએ ડી.એસ.ઓ. બરંડા સામે કરેલી એ.સી.બી.ના કેસમાં પાંચ વર્ષની સજા થઇ છે એ રીતે પ્રોસિક્યુશન પોતાનો કેસ શંકાથી પર પૂરવાર કરવાનો હોય છે, શંકા ગમે તેટલી મજબૂત હોય તે પુરાવાનું સાબિતનું સ્થાન લઈ શકે નહીં, પ્રોસિક્યુશન પોતાનો કેસ શંકાથી પર પૂરવાર કરવામાં સદંતર નિષ્ફળ નિવડ્યુ છે જેથી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા રજૂઆતો કરવામાં આવી હતી.
હાલનો કેસમાં ઓથોરિટી પાસેથી માહિતી મેળવી સ્થળ તપાસ કરી પુરાવો મેળવી સાહેદોના નિવેદનો લેવાના હતા પરંતુ 96 રેશનકાર્ડ ધારકો જણાવેલા સરનામે રહેતા નહીં હોવાનો આક્ષેપ ફરિયાદ પક્ષ પુરવાર કરી શકી નથી ત્યારે ફરિયાદ પક્ષનો કેસ શંકાસ્પદ બની જાય છે એ રીતે રેશનકાર્ડ ખોટા હોવાનો ફરિયાદ પક્ષ કેસ લઈને આવ્યા હોય તે સંબંધે પણ કોઈ કાર્યવાહી થઇ ન હોય ત્યારે આરોપીઓને સજા કરી શકાય નહીં, જ્યારે એસેન્સીયલ કોમોડિટી એક્ટનો ભંગ થાય ત્યારે મુદ્દામાલ રિકવરી પંચનામુ કરવું જરૂરી છે, જે કરવામાં આવ્યુ નથી. પંચ, સાહેદો, ફરિયાદ પક્ષના કેસને સમર્થન આપતાં નથી, સજા કરવા માટે કલમનો ઓર્ડર ભંગ થવો જોઈએ સમગ્ર પુરાવામાં ક્યા આદેશનો ભંગ કરવામાં આવ્યો અને કઈ ક્ષતિ હતી તે પૂરવાર થતું ન હોય ત્યારે આરોપીઓને તકસીરવાન ઠેરવી શકાય નહીં તેમ માની આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ ફરમાવવામાં આવ્યો છે.
તહોમતદાર ઈકબાલ લીંગરીયા, અસ્લમભાઈ ડેરૈયા વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયા હતા.



