સક્ષમ અધિકારીની મંજુરી મેળવ્યા બાદ લાઉડ સ્પીકર વગાડી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્પીકરોના ઉપયોગ અંગે વિવિઘ નિયંત્રણો મૂકતું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.કે,ઓઝા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર, કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવીને સવારના 08.00 કલાકથી રાત્રીના 10.00 કલાક સુધી જ થઈ શકશે. ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા કોઈપણ પ્રકારના વાહન પર સક્ષમ અધિકારીની નિયમોનુસારની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર અર્થે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર લગાવી શકાશે નહી.
પરવાનગી મેળવેલ વાહનો દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત તાલુકાના એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ પાસેથી તથા મોટર વ્હીકલ એકટ હેઠળ સક્ષમ અધિકારીશ્રી પાસેથી નિયત નમૂનામાં અરજી કરીને વાહન પરમીટ પ્રથમ લેવાની રહેશે તથા વાહન પરમીટના હુકમમાં જણાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોઇપણ પ્રકારના લાઉડસ્પીકરના ઉપયોગ માટે પરવાનગી મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારે તે વિસ્તારના પોલીસ મથકને અને સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને તથા મદદનીશ ચૂંટણી અધિકારીને ઉપયોગ કરતા પહેલા લેખિતમાં જાણ કરવાની રહેશે. લેખિત પરવાનગી વગર કોઇપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે.
તો ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર તથા લાઉડ સ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાધનો કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે. કોઇપણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના 48 કલાક પહેલાના સમયગાળા દરમ્યાન કોઇપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહી.
આ જાહેરનામું તા.27.06.2025 સુધી અમલમાં રહેશે. તેમજ આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા કલમ – 223 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.



