ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ ખાતે ગુરુવારે બપોરના સમયે બનેલા પ્લેનક્રેશ દુર્ઘટનાએ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ત્યારે આ બનાવ અંગે પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ જણાવ્યુ હતુ કે પ્લેનક્રેશ થાય ત્યારે તેમાં સવાર મુસાફરોના મૃત્યુ થાય છે પરંતુ આ દુર્ઘટનામાં જે લોકો પ્લેનમાં સવાર ન હતા તેવા હોસ્ટેલમાં રહેલા ટ્રેઇની ડોક્ટરોએ પણ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને ઇશ્વર શાંતિ આપે તેવી સંવેદના વ્યક્ત કરી હતી.
- Advertisement -
આ દુર્ઘટનામાં મુસાફરોની સાથે આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પણ નિધન થયુ છે આ નિધનથી સમગ્ર રાજ્યની પ્રજા અને કાર્યકરોમાં શોકની લાગણી છે. વિજયભાઇ રાજકોટના સક્રિય કાર્યકર હતા, વિદ્યાર્થી કાર્યકાળથી પ્રજાકિય કાર્ય કરતા આવ્યા હતા, આરએસએસના સભ્ય હતા ત્યારથી સમાજને સંગઠિત કરવાનું કાર્ય તેને કર્યુ હતુ. મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા ત્યારે વિજયભાઇ પ્રજાને રોજ સાંભળતા અને તેમના પ્રશ્નોને વાંચા આપતા હતા.
આ દુ:ખની લાગણી સાથે વજુભાઇએ જેલકાળ દરમિયાન વિજયભાઇ સાથેના સંસ્મરણો યાદ કર્યા અને જણાવ્યુ હતુ કે 21 વર્ષની ઉંમરે સાબરમતી જેલમાં નાનામાં નાની ઉંમરના કાર્યકર તરીકે અમારી સાથે હતા. તેમજ 11 મહિના જેલમાં રહ્યા આ સમયગાળા દરમિયાન વિજયભાઇએ સાથી કાર્યકરોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી હતી. આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યથી વિજયભાઇએ એક સક્રિય કાર્યકરની છાપ ઉભી કરી હતી. આવા સદકાર્યથી વિજયભાઇ કોર્પોરેટરથી લઇ મુખ્યમંત્રી સુધીની સફળ રાજકીય યાત્રાની સફર કરી લોકહિતના અનેક કાર્ય કર્યા હતા. આ તકે વજુભાઇએ વિજયભાઇને ભાવાનજલી અને શ્રધ્ધાંજલી અપર્ણ કરી તમામ કાર્યકરોને જણાવ્યુ કે વિજયભાઇના જીવનમાંથી પ્રેરણા લઇ તમામ કાર્યકરો લોકોના કાર્ય કરી તેમને શ્રધ્ધાંજલી અપર્ણ કરશો. વિજયભાઇએ રાજકોટને ઘણુ આપ્યુ છે અને ગુજરાતને પણ ઘણુ આપ્યુ છે તેમજ પ્રજાના કાર્યથી સંઘના સંસ્કાર ઉજ્જવળ કરી બતાવ્યા છે.
અમે 11 મહિના સુધી જેલવાસ સાથે ભોગવ્યો: જ્યોતિન્દ્ર મહેતા
- Advertisement -
જ્યોતીન્દ્ર મહેતાએ વિજયભાઈ રૂપાણી સાથેના સંબંધો વિશે જણાવ્યું હતુ કે, અમે કોલેજકાળથી સાથે હતા. કોલેજકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તેઓ જોડાયા અને તેમનામાં સંસ્કારનું સિંચન થયું. તેને કારણે તેઓ હંમેશા દરેકને મદદરૂપ થતા. અમે ઈમરજન્સી દરમિયાન સાથે 11 મહીના જેલમાં રહ્યા હતા. અમે પહેલા છૂટ્યા ત્યારપછી તેઓએ જેલમાંથી મને પત્ર લખ્યો હતો. અમારૂ 12 મિત્રોનું ગૃપ છે જેને ડર્ટી ડઝન કહેવાય છે ઉતરાયણના દિવસે અમે ભેગા થઈને પતંગ ઉડાડીએ છીએ. જે ઉત્તરાયણના દિવસે અચૂક મળે અને આ મળતા-મળતા અમારી ત્રીજી પેઢી આવી ગઈ. વિજયભાઈના નિધનથી ન પુરી શકાય તેવી ખોટ પડી છે. કોઈપણ વ્યક્તિ કોઈ પણ ઇસ્યુ લઈને આવે તો તેમને મદદ કરવા માટે તત્પર રહેતા હતા. કોરોના સમયે તેમની લીડરશીપ અદભુત હતી.
‘વિજયભાઈનો સ્વભાવ સરળ અને નિખાલસ’
જીનીયસ સ્કૂલના ડી.વી.મહેતાએ વિજયભાઈ રૂપાણી વિશે જણાવ્યું હતું કે, તેઓ 30 વર્ષથી સાથે હતા. મને હંમેશા તેમનુ માર્ગદર્શન મળ્યું છે. તેમનામાં મોટો ગુણ એ હતો કે, કોઈ કામ લઈને જાય તો તેનું કામ સ્થળ પર જ કરી આપે. બીજી વાર ધક્કો ન ખવડાવે. આવા વ્યક્તિત્વની ખોટ હંમેશા રાજકોટને રહેશે. ઈશ્વર તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
મારા પુત્ર રોહનને વિજયભાઈ ને કારણે જ નવજીવન મળ્યું: કમલેશ મીરાણી શોકાતુર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, મારા પુત્ર રોહનનો 2017 માં જ્યારે રેલવે અકસ્માત સર્જાયો હતો ત્યારે મારી પહેલા વિજયભાઈ હોસ્પિટલ પહોંચી ગયા હતા ત્યારે તેઓ મુખ્યમંત્રી હતા.છતાં તમામ મહત્વના કામો પડતા મૂકી સતત હોસ્પિટલમાં હાજર રહ્યા હતા.આજે રોહન આપણી વચ્ચે હયાત છે તેના માટે હું વિજયભાઈનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.મારા પરિવારના મોભીની જેમ મારા દુ:ખમાં સહભાગી થયા હતા.મારા જેવા અનેક કાર્યકરોનું ઘડતર વિજયભાઈ કર્યું છે તેઓનું અકાળ અવસાન ખરેખર ભાજપ માટે એક મોટી ખોટ સમાન ગણાવી શકાય રાજકોટના કાર્યકરો હાલ ઊંડા શોકમાં ઘરકાવ થઈ ગયા છે મારા રાજકીય ઘડતરમાં વિજયભાઈનો ખુબ જ મોટો ફાળો રહ્યો છે .તેઓને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું.