મંજૂરી વિનાના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી વાહ-વાહ લૂંટાવતી પોલીસ
વાવડી, ખેરડી, નવાગામ, કુવાડવા જીઆઇડીસી, જામનગર બાયપાસ, માંડા ડુંગર, ખેરવા જેવા સ્થળે નકલી બાયોડીઝલનું ધૂમ વેચાણ

ખાસ-ખબર સંવાદદાતા
નકલી બાયોડીઝલનું વેંચાણ કરતા અસામાજિક તત્વો પર તૂટી પડવાની સૂચના સ્વયં મુખ્યમંત્રી રૂપાણીએ એક કરતા વધુ વખત આપી છે તેમ છતાં કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓની આવા તત્વો સાથેની સાંઠગાંઠના કારણે આ ગંદો વ્યાપાર ધમધમતો રહે છે. આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોનાં જો નામ ખૂલે તો પોલીસતંત્ર અને રાજકારણમાં ભૂકંપ આવી જાય તેમ છે.
- Advertisement -

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ આસપાસ દસેક વિસ્તારોમાં નકલી બાયોડીઝલની કૂપ્રવૃતિઓ ધમધમે છે. નકલી બાયોડીઝલ વેંચાણની મોડસ ઓપરેન્ડી જાણવા જેવી છે. આવા લોકો કઉઘ (લાઈટ ડીઝલ ઓઈલ) માટેનું લાયસન્સ લે છે. આ પ્રવાહીનો ઉપયોગ વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં થાય છે. પરંતુ વિક્રેતાઓ મોટા ભાગે ટ્રાન્સપોર્ટરો, ટ્રક અને બસમાં જ એ પૂરવા લાગે છે. ડીઝલ કરતાં આ પ્રવાહી લિટરે 25થી 30 રૂપિયા સસ્તું પડે છે. તેથી એન્જિનને નુકસાન થતું હોવા છતાં અને પર્યાવરણ દૂષિત થતું હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરે છે.

- Advertisement -
રાજકોટ આસપાસ વાવડી, ખેરડી, નવાગામ, કુવાડવા જી.આઈ.ડી.સી., જામનગર બાયપાસ, માંડા ડુંગર તથા ખેરવા જેવાં સ્થળોએ નકલી બાયોડીઝલનું બેફામ વેંચાણ થાય છે અને આમાંના લગભગ દરેક સ્થળે કઉઘઓના સંગ્રહ માટે પાંચ-પાંચ લાખ લિટરની ક્ષમતા છે. આમ, બેફામ ભ્રષ્ટાચારનાં કારણે આ ગંદો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે. અસલી બાયોડીઝલ જેત્રોફા અથવા તો રતનજયોત નામની વનસ્પતિનાં બીજનાં તેલમાંથી બને છે. નકલી બાયોડીઝલને અને અસલી બાયોડીઝલને નાડી-નેફાનો પણ સંબંધ નથી.

ખેરવા ગામેથી શહેર ક્રાઈમ બ્રાન્ચે 800 લીટર બાયોડીઝલ ઝડપી લીધું
19.50 લાખનાં મુદ્દામાલ સાથે બે ઝડપાયા
ખાસ-ખબર સંવાદદાતા
શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ. એમ. વી. રબારી અને તેમની ટીમ રાત્રે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખેરવા ગામના પાદરમાં બાયોડીઝલનો જથ્થો હોવાની બાતમી મળતાં શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી દરોડા પાડી 800 લીટર બાયોડીઝલ સાથે મહિન્દ્રા કંપનીનો બોલેરો, ટ્રક અને બાયોડીઝલ સંગ્રહનો ટાંકો મળી કુલ રૂા. 19.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રફુલ અરજણભાઈ ચોવટિયા રહે. રાજકોટ અને યુસુફ કાળુભાઈ મિંયાણા (રહે. મોરબી)ને ઝડપી પાડી તેના વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.



