વિકાસની સાથે કલા અને સંસ્કૃતિની વિરાસતને પણ રાજકોટ સાચવી રહ્યું છે : મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ કલાકારો સાથે સંવાદ કર્યો : પેઈન્ટિંગ્સને નિહાળીને કલાને બિરદાવી: પરિસરમાં સિંદૂરના છોડનું વાવેતર કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 5.90 કરોડના ખર્ચે નિર્મિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના એક્ઝીબીશન હોલની તક્તીનું અનાવરણ કરીને લોકાર્પણ કરાયું હતું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલાકારો સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિકાસની સાથે-સાથે કલા અને સંસ્કૃતિની વિરાસતને પણ રાજકોટ સાચવી રહ્યું છે. કળાના માધ્યમથી સમાજનું સાચું ચિત્રણ રજૂ કરવાની તાકાત કલાકારો પાસે છે. આ પ્રકારના આયોજનને લઈને કલાકારોનો રાજીપો સંતોષપ્રદ છે. આ સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને શહેરી વિકાસ દર્શાવતું પેઇન્ટિંગ આપીને તેમનું અભિવાદન કરાયું હતું. આ તકે વરિષ્ઠ કલાકારો, યુવા કલાકારો, કળા ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને કુલ 52 જેટલા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ મુખ્યમંત્રીએ આર્ટ ગેલેરીના પરિસરમાં સિંદૂરના છોડનું વાવેતર કર્યું હતું અને ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
જામનગરમાં 430 કરોડના વિવિધ 30 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ
જામનગર શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રૂ. 430 કરોડથી વધુના 30 વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમાં રૂ. 13.29 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર અને રૂ. 10.66 કરોડના ખર્ચે ડો.શ્યામપ્રસાદ મુખર્જી શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકા ઓફિસ કેમ્પસમાં રૂ. 8.14 કરોડના ખર્ચે નવા જનરલ બોર્ડનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. ગુરુ ગોબિંદસિંગ હોસ્પીટલમાં રૂ. 35 લાખના ખર્ચે બે પે એન્ડ યુઝ ટોઇલેટ બ્લોક પણ બનાવવામાં આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયું છે. કનસુમરા વાડી પ્રાથમિક શાળામાં રૂ. 1 કરોડના ખર્ચે 5 નવા વર્ગખંડો, રાફુદડ પ્રાથમિક શાળામાં રૂ. 60 લાખના ખર્ચે 3 વર્ગખંડો અને ધ્રોલ વાડી શાળામાં રૂ. 40 લાખના ખર્ચે 2 વર્ગખંડો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હમાપર પ્રાથમિક શાળામાં એક નવો વર્ગખંડ અને નિકાવા આંગણવાડીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
રૂ. 13.29 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર અને રૂ. 10.66 કરોડના ખર્ચે ડો.શ્યામપ્રસાદ મુખર્જી શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરશે
- Advertisement -
શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી
16 ઓક્ટોબર 2023ના નવનિર્માણ કામ શરૂ કરાયુ હતું
પ્રોજેકટ પાછળ રૂ.5.90 કરોડનો ખર્ચ
976 ચો.મી.માં બે માળની આર્ટ ગેલેરીનું નિર્માણ
200થી વધુ લોકો એક્ઝિબિશન માણી શકશે
ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ ગેલેરી, સ્ટોરરૂમ, એક્ઝિબિશન
પ્રથમ માળે બે ગેલેરી
કલાકારોને આર્ટ પ્રદર્શન માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે
રેસકોર્સ મેદાન ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી લગભગ ચાર દસકા પૂર્વે બનાવવામાં આવી હતી. તે જ સ્થાને રૂ.5.90 કરોડનો ખર્ચે નવી આર્ટ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યુ છે. હવે રાજકોટના કલાકારોને તેમના આર્ટ પ્રદર્શન માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે. આ આર્ટ ગેલેરીનું નિર્માણ કાર્ય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યુ છે. શહેરના પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ કિશોરભાઇ ત્રિવેદીએ આ આર્ટ ગેલેરીની ડિઝાઇન તૈયાર કરી છે. નવી નિર્માણ પામેલી સેન્ટ્રલી એ.સી. આર્ટ ગેલેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 5080 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા, ફર્સ્ટ ફ્લોર પર બે 2000 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા તથા 645 ચોરસ ફૂટ કાર્પેટ એરિયામાં કુલ ચાર એક્ઝીબીશન હોલ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, આર્ટ ગેલેરીમાં આકર્ષક લાઈટિંગ, ફાયર સિસ્ટમ, લિફ્ટ, સ્ટોર રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.