ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
દેશની સુરક્ષા કરી રહેલા BSFના જવાનોની સુરક્ષા મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જવાનો ડિજિટલ પેટર્ન આધારીત તૈયાર કરાયેલા નવા યુનિફોર્મમાં જોવા મળશે. બીએસએફનો આ નવો યુનિફોર્મ ટુંક સમયમાં તૈયાર થઈ જશે. તેમના યુનિફોર્મમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉના યુનિફોર્મની તુલનાએ નવો યુનિફોર્મ વધુ આરામદાયક હશે. તેમાં રંગોનું પણ વિશેષ ધ્યાન રખાયું છે. બીએસએફના જવાનોનો યુનિફોર્મ બદલાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જવાનો ટૂંક સમયમાં નવા ડ્રેસમાં જોવા મળશે. નવા યુનિફોર્મમાં રંગોના વિશેષ પ્રમાણનો ઉપયોગ કરાયો છે, જેમાં 50 ટકા ખાખી કલર, 45 ટકા લીલો કલર અને પાંચ ટકા ભૂરા રંગનું સંયોજન હશે. આ ઉપરાંત યુનિફોર્મને 80 ટકા કોટનથી અને 19 ટકા પોલિએસ્ટરથી તૈયાર કરાયો છે.
જ્યારે અગાઉના યુનિફોર્મમાં 50 ટકા કોટન અને 50 ટકા પોલિએસ્ટર હતું. નવો યુનિફોર્મ સંપૂર્ણ ડિજિટલ પ્રિન્ટ આધારીત હશે.,આ યુનિફોર્મને બીએસએફ પોતે ઈન-હાઉસ ડિઝાઈન કર્યો છે. અધિકારીઓને યુનિફોર્મ બનાવવામાં એકથી દોઢ વર્ષનો સમય લાગ્યો હતો. આ યુનિફોર્મની ખાસ વાત છે કે, કોઈપણ વ્યક્તિ બીએસફની પરવાનગી વગર યુનિફોર્મની કોપી ન કરી શકે અને સિવડાવી પણ ન શકે. જો કોઈ વ્યક્તિ આવું કરશે તો તેના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે.



