ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
સુરેન્દ્રનગર જિલ્લો સૌથી ઓછા વૃક્ષો પૈકી એક જિલ્લા તરીકે ઓળખાય છે. ત્યારે વૃક્ષ વગરના જિલ્લાનું મ્હેણુ ભાંગવા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સુરસાગર ડેરી દ્વારા 1500થી વધુ વૃક્ષોના રોપાનું રોપણ કરાયું હતું. જ્યારે સહકારી મંડળીઓ દ્વારા 77,000 વૃક્ષ રોપવાનો સંકલ્પ કરાયો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સુરસાગર ડેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 1500 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. જેમાં સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ, ડેરીના સભ્યો, કર્મચારીઓ અને નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સહકારીતા 2025ના મંત્રવાક્ય કોઓપરેટિવ્સ બિલ્ડ અ બેટર વર્લ્ડની ભાવનાને અનુરૂપ આયોજિત કરવામાં આવ્યો હતો. આ થીમ વૈશ્વિક સ્તરે સહકારી મોડલને ઘણા પડકારોના ઉકેલ તરીકે રજૂ કરે છે અને દર્શાવે છે કે સહકારી મંડળીઓ સંયુક્ત રાષ્ટ્રના સબસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ -2030 હાંસલ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. મહાનુભાવોએ જણાવ્યું કે, વૃક્ષારોપણ જેવું કાર્ય માત્ર પર્યાવરણીય જવાબદારી નથી. પરંતુ ભવિષ્ય માટેનું નૈતિક દાયિત્વ પણ છે. આ તકે ઉપસ્થિત સૌએ વૃક્ષોના ઉછેર અને જતન માટે પ્રતિજ્ઞા લીધી હતી. જે પર્યાવરણ જાળવણી પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. વધુમાં જિલ્લા રજિસ્ટ્રાર કોમલબેન ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે આગામી ચોમાસામાં સમગ્ર જિલ્લામાં વિવિધ સહકારી મંડળીઓ તથા તેમના સભાસદો-ખેડૂતો, પશુપાલકો અને અન્ય નાગરિકોના સહયોગથી કુલ 77,000 વૃક્ષોનું રોપણ કરવાનો મહાવ્યાપક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ વૃક્ષો ગ્લોબલ વોર્મિંગ સામેની લડતમાં મહત્વની ભૂમિકા ભજવશે અને પર્યાવરણનું સંતુલન જાળવશે. આ કાર્યક્રમ પર્યાવરણ જાળવણી, સહકારના મૂલ્યો અને સામૂહિક ભાગીદારીનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એક પેડ મા કે નામ અભિયાન માત્ર વૃક્ષારોપણ નહીં, પરંતુ કુદરત સાથે સંકળાયેલ જવાબદારી સ્વીકારવાનો એક શક્તિશાળી સંકલ્પ છે. આવા કાર્યક્રમો દ્વારા સહકારી સંસ્થાઓ સમાજમાં હરિત અને સ્થિર ભવિષ્ય માટે મજબૂત આધારશિલા બનાવી રહી છે. આ પ્રસંગે સુરસાગર ડેરીના ચેરમેન નરેશભાઈ મારૂ, ડિરેક્ટર બાબાભાઈ ભરવાડ, મેનેજિંગ ડિરેક્ટર ગુરુદતસિંહ, જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના મદદનીશ સહકારી અધિકારી નિકુલ ગોસ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.