સિગ્નેચર કેમ્પેઈન અને નૂક્કડ નાટકના માધ્યમથી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરાઈ
વેરાવળ ચોપાટી થી ટાવરચોક સુધી યોજાયેલી રેલીને પ્રસ્થાન કરાવતા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.6
ગુરુવારે સાંજે વેરાવળ ચોપાટીથી ટાવર ચોક સુધી યોજાયેલી ’સિંગલ યૂઝ પ્લાસ્ટિક જાગૃતિ’ રેલીને કલેકટર શ્રી એન.વી ઉપાધ્યાયે પ્રસ્થાન કરાવી રેલીમાં જોડાયા હતાં. ચોપાટી ખાતેથી શરૂ થયેલી આ રેલી પહેલા વિદ્યાર્થીઓ દ્વારા ’વૃક્ષ બચાવો, પાણી બચાવો’ અંગે નુક્કડ નાટકના માધ્યમથી નગરજનોને પાણી ન હોવાના કારણે તથા વૃક્ષો કપાવાના કારણે કેવી પરિસ્થિતિનું ભવિષ્યમાં નિર્માણ થશે તે અંગેનો તાદ્રશ્ય ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. કલેક્ટર અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ બોર્ડ પર સહી કરી પર્યાવરણ બચાવવા અંગેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કલેકટરએ જણાવ્યું હતું કે, સમગ્ર ગીર સોમનાથ જિલ્લો પ્લાસ્ટિક મુક્ત બને એ દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત વેરાવળ નગરપાલિકા દ્વારા ’માય થેલી’નો ઉપક્રમ અપનાવાયો છે. જે અંતર્ગત સખી મંડળના બહેનો દ્વારા જૂના કપડામાંથી ખરીદી માટે નવી કાપડની થેલી સીવી આપવામાં આવશે. આમ કહી કલેક્ટરએ સમગ્ર નાગરિકો સોમનાથ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં સહભાગી થાય એવી અપીલ કરી હતી. વેરાવળ ચોપાટી ખાતેથી શરૂ થયેલી આ રેલી કોર્ટ પરિસર, બોય્ઝ હાઈસ્કૂલ, મણિબહેન કોટક, નગરપાલિકા એમ રાજેન્દ્રભવનના મુખ્ય માર્ગોથી ફરી ટાવરચોક સુધી ફરી હતી. આ રેલી દરમિયાન નાગરિકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરે તે અંગે લાઉડ સ્પીકર તેમજ બેનર્સના માધ્યમથી લોક જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ રેલીમાં ’ પ્લાસ્ટિક હટાવો,પર્યાવરણ બચાવો’, ’ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો’, ’પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવો’ સહિતના પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થાય તેવી જાગૃતિ ફેલાવતા સૂત્રો તેમજ લાઉડ સ્પીકરના માધ્યમથી ’સ્વચ્છ ભારત કા ઇરાદા કર લીયા હમને’, ’કસમ યે ખાયેંગે, પ્લાસ્ટિક હટાયેંગે’ જેવા ગીતો દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે સંદેશો આપવામાં આવ્યો હતો.