ખાસ-ખબર ન્યૂઝ અરવલ્લી
ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો. હવામાન વિભાગે એ આગામી પાંચ દિવસમાં રાજ્યના ઘણા ભાગોમાં વધુ વરસાદ થવાની આગાહી કરી છે. વરસાદથી ગરમીમાં થોડી રાહત મળી હતી પરંતુ ઉભા પાક અને ખુલ્લામાં રાખેલા પાકને નુકસાન થયું છે, ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને પાક ભીંજાઈ જવાથી ભારે મુશ્કેલી પડી રહી છે.
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું છે. ખુલ્લામાં રાખેલા પાક ભીના થઈ ગયા. ઘઉં, મકાઈ અને સોયાબીનના પાક ભીંજાઈ જવાથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી આગાહી કરવામાં આવી હોવા છતાં, પગલાંના અભાવે નુકસાન થયું છે. જ્યારે વરસાદ પડ્યો, ત્યારે ખેડૂતોએ પાકને તાડપત્રીથી ઢાંકીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ ગયો.
- Advertisement -
હવામાન વિભાગે જણાવ્યું છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા અને સુરત જિલ્લામાં 7 મેના રોજ ભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે મોટાભાગના જિલ્લાઓમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, ગુજરાતના દરિયાકાંઠે ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે અને પવનની ગતિ 50-55 કિમી પ્રતિ કલાકની રહેશે.
આગામી 3 દિવસ માટે ક્યાં છે ઓરેન્જ એલર્ટ?
6 મે: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
7 મે: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ
8 મે: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ
દક્ષિણમાં કેરી, કેળા ને ડાંગર તો ઉ. ગુજરાતમાં બાજરીનો પાક ધોવાયા
- Advertisement -
ખેડા જિલ્લામાં વાવાઝોડા અને વરસાદને પગલે ખેડૂતોએ કહ્યું ‘આજ દિન સુધી ન કલ્પી શકાય તેવી તારાજી’
ખાસ-ખબર ન્યૂઝ સુરત
રાજ્યમાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદમાં અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઇ છે. જેમાં ખાસ કરીને ખારે ઉનાળે આવેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. અંબાજીથી લઇ ઉમરગામ સુધી ખેડૂતોના ઉનાળુ પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ખાસ બાજરીના પાકને નુકસાન પહોંચ્યું છે. તો નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કેરી, કેળાં અને ડાંગર જેવા પાકને નુકસાન થતાં ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે.
ભારે વાવાઝોડા અને વરસાદના કારણે વડોદરા જિલ્લામાં ખેતી અને બાગાયત પાક કરીને ભારે નુકસાન થયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી નિતીન વસાવાએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં મોટા ભાગનો પાક કાઢી લેવામાં આવ્યો છે. જુવારના પાકને નુક્સાન થયું છે. ખેતીવાડીની ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
બાગાયત વિભાગના અધિકારી એ. કે. પટેલે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાના કરજણ, પાદરા અને વડોદરા ગ્રામ્યમા કેરીના પાકને નુક્સાન થયું છે. ચોક્કસ આંકડો કહેવું મુશ્કેલ છે. દરેક તાલુકા મથકે નુકસાનીની વિગતો આપવા સુચના આપી દેવામાં આવી છે. નેટ હાઉસ જમીન દોસ્ત થઇ ગયા છે. રાજકોટનાં પાળ ગામના ખેડૂત પિન્ટુભાઈ માળીએ જણાવ્યું હતુ કે, આંબામાંથી પવનના કારણે કેરી ખરી ગઈ છે. કેરીનો તૈયાર પાક ખરી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની બાર મહિનાની મહેનત પાણીમા ગઈ છે. આ ઉપરાંત ઉનાળુ તલ અને મગ સહિતના પાકને પણ નુકસાન થયુ છે. દર વર્ષે માવઠું ખેડૂતો માટે વેરી બનીને આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. ગતરોજ સાંજના સમયે ભારેપવન અને વાવાઝોડા સાથે વરસેલા વરસાદને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેતરમાં ડાંગરના પાકને નુકસાન થયું છે. ડાંગર પલળી જતા તો ઊભી ડાંગર પડી જતા ખેડૂતોને સારા ભાવથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતના ઓલપાડ કઠોદરા વિસ્તારમાં આવેલી 20 વીઘાની આંબાની વાડીમાં રાજાપુરી, કેસર, હાફૂસ અને ટોટાપુડી જેવી વિવિધ જાતની કેરીઓનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે.
આ વિસ્તારમાં લગભગ 70થી 80 ટકા કેરીઓ જમીન પર ખરી પડી છે. આ કુદરતી આફતે ખેડૂતોના આખા વર્ષના આયોજન પર પાણી ફેરવી દીધું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે આર્થિક સહાયની માંગણી કરી છે. કમોસમી વરસાદ અને તોફાની પવનોએ ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.