ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર,14ના મોત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે, હવામાન વિભાગની મુજબ સતત બીજા દિવસે (સોમવારે) પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. સોમવારે 104 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં 1 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. કેટલાક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે માવઠાંના અહેવાલ પ્રાપ્ત થયા છે. ગુજરાતના મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો જોવા મળ્યો હતો. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વાવાઝોડાની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે રાજ્યભરમાં અલગ-અલગ ઘટનામાં 26 પશુઓ અને 14 લોકોના મોત થયા છે, જ્યારે 16 લોકોને ઇજા પહોંચી છે. તો બીજી તરફ જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું છે.
જેમાં સૌથી 4 મોત ખેડા જિલ્લામાં નોંધાયા છે, જ્યારે વડોદરા શહેરમાં 3, અરવલ્લી અને દાહોદમાં 2-2, અમદાવાદના વિરમગામ અને દસક્રોઇમાં 1-1, અને આણંદમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
સોમવારે સાંજના સમયે મિની વાવઝોડું ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલી ઉભી થઇ હતી. રાજ્યના અનેક જિલ્લાઓમાં પવના કારણે ઠેરઠેર વૃક્ષો જમીનદોસ્ત થયા હતા અને રસ્તાઓ બંધ થયા હતા. લગ્નની સિઝનના કારણે કેટલાક સ્થળો મંડપ પણ પડી ગયા હતા.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત ખેડૂતોને તકેદારી રાખવા માટે માર્ગદર્શિકા બહાર પડાઇ છે. ખેતરમાં પડેલો પાક ન પલળે તે માટે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.
ભાવનગરના સિહોરમાં 1 કલાકમાં જ દોઢ ઈંચ, ભાવનગરમાં બે કલાકમાં 1 ઈંચ જ્યારે ગાંધીનગરના માણસામાં 1 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ખેડાના નડિયાદ-કપડવંજ-વસો, વડોદરા શહેર, બનાસકાંઠાના દિયોદર-ભાભર, આણંદના સોજીત્રા, અમદાવાદના ધોળકા, આણંદના તારાપુર, બોટાદના બરવાળા, ખેડાના મહેમદાબાદ, અરવલ્લીના બાયડ, સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ અડધા ઈંચ કે તેથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં કરા પણ પડયા હતા. જ્યારે વડોદરામાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે, હજુ આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની સંભાવના છે.