દિન વિશેષ: ધ્રુવા ઉનડકટ
સમય જતાં પત્રકારત્વના ફ્રીડમની રેખા સંકોચાતી ગઈ, હાલ તો મોટાભાગના મીડિયા હાઉસ ‘ઇકો ચેમ્બર’થી વર્ક કરે છે, એક પ્રકારનો એજન્ડા, એક પ્રકારનું નરેટિવ એટલે કે વન સાઈડેડ સ્ટોરી
- Advertisement -
લોકશાહીનાં ત્રણ સ્તંભો ધારાસભા, કારોબારી ને ન્યાયતંત્ર વિશે આપણને સ્કૂલ – કોલેજમાં ભણાવવામાં આવે જ છે. આ દરેક ક્ષેત્રના હોદ્દાઓ સુધી પહોંચવાની સફર (અંગ્રેજી ભાષાનો સફર શબ્દ પણ સમજી શકાય) પરીક્ષાઓમાં પૂછાય છે ને બુકમાં છપાય છે. ઠીક છે એ તો. પ્રશ્ન તો એ છે કે લોકશાહીના સમાન મહત્વ અને લાયકાત ધરાવતા ચોથા સ્તંભ વિશે મોટાભાગની સામાન્ય જનતાને સાચો ખ્યાલ અને માહિતી રહેતી નથી. લોકશાહીનો ચોથો સ્તંભ પત્રકારત્વ છે અને 3 મે ના દિવસે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે, બસ તેની જાણ રહેતી હશે. આ દિવસની ઉજવણી તો વર્ષ 1993થી કરવામાં આવે છે. તેની પાછળનો હેતુ જાણવા માટે આપણે 1991 એટલે કે બે વર્ષ પાછળ જવું પડે. આ સમય દરમિયાન આફ્રિકન પત્રકારોએ પ્રેસની સ્વતંત્રતા માટે ઝુંબેશ શરુ કરી હતી. 3 મે, 1991 ના રોજ આ પત્રકારોએ એક નિવેદન પત્ર બહાર પાડ્યું, જે વિન્ડોહકની ઘોષણા તરીકે ઓળખાયું. તેના બે વર્ષ બાદ, 1993માં યુએનની જનરલ એસેમ્બલીએ 3 મે ના વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવવાનો નિર્ણય પસાર કર્યો અને ત્યારથી લઇ આજ સુધી આ દિનની મહત્તા જળવાતી દેખાઈ રહી છે. ભારત દેશના ઇતિહાસના પાના ફંફોળીએ તો ખ્યાલ આવે કે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થવામાં પ્રેસનું ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે. 1857ના સ્વાતંત્ર સંગ્રામ વખતે કેટલાય સેનાની તેમની પત્રિકા બહાર પાડતાં જેના થકી લોકો અંગ્રેજો સામે લડવા માટે ઉજાગર થયા હતા. જેમ-જેમ અંગ્રેજોને પ્રતીત થયું કે પ્રેસ લોકો વચ્ચે એક મજબૂત માધ્યમ બન્યું છે, ત્યારથી તેના પર ઘણાં પ્રતિબંધો લાદવામાં આવ્યા. આવા સ્વાતંત્ર સેનાનીઓ કે જેઓ લેખકો અને પત્રકારો પણ હતા, તેમને જેલની સજા કે ફાંસી ફટકારીને ભારત દેશમાં પત્રકારીતાનો દમ તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ક્રમ 1947માં આઝાદી ન મળી ત્યાં સુધી ચાલતો રહ્યો.
આઝાદીના 78 વર્ષ સુધીમાં આપણે પત્રકારત્વ જગતમાં ઘણી પ્રગતિઓ નિહાળી. પહેલાંના સમયમાં લોકોની સવાર એક હાથમાં ચા ને બીજા હાથમાં છાપું હોય તો જ શરૂ થતી. આજનાં સમયે પણ વધું કઇ ફેર નથી. એક હાથમાં ચા તો છે જ, બીજા હાથમાં છાપાંની બદલે છ ઇંચનો સ્માર્ટફોન હોય છે બસ! ટેકનોલોજીકલ સુવિધાઓ વધવાથી હવે આપણને ઇન્સ્ટન્ટ અપડેટ મળી જતા હોય છે. ઈન્ટરનેટ વાંચકો, દર્શકોની સાથે લેખકો, પત્રકારોને પણ ફાયદારૂપ થયું છે. જેમાં ફેક્ટ- ચેકીંગ, કોઈપણ જાતની બાઉન્ડરી વગરનું લખાણ જેવા ફાયદાઓનો સમાવેશ થાય છે. દરેક સિક્કાની બે બાજુ તો હોય જ છે. સમય જતાં પત્રકારત્વના ફ્રીડમની રેખા સંકોચાતી ગઈ. હાલ તો મોટાભાગના મીડિયા હાઉસ ‘ઇકો ચેમ્બર’થી વર્ક કરે છે. એક પ્રકારનો એજન્ડા, એક પ્રકારનું નરેટિવ એટલે કે વન સાઈડેડ સ્ટોરી. પણ બીજી તરફ આજે એવા પણ પત્રકારો છે જેણે સિદ્ધાંતો અને મૂલ્યોને જાળવી રાખ્યા છે. જે સોશ્યલ મીડિયાની રિચ નહિ પણ રિયલ ટ્રુથ પાછળ ભાગે છે, કોઈપણ જાતના ભય અને નિયંત્રણ વગર તથ્યોની શોધમાં ભટકે છે અને સમાજને સાચા અને ખોટાનો ભેદ દર્શાવે છે. તો આજના દિવસે આવા નીડર પત્રકાર અને લોકશાહીના આધાર તેવા પત્રકારત્વને સન્માન આપીએ અને તેની સ્વતંત્રતાને જાળવી રાખીએ…



