વેપારીઓ, નગરપાલિકા ટીમ સહિત શહેરજનોએ રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું
રાજુલા-જાફરાબાદ શહેરમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર સર્જાઇ છે. રાજુલા-જાફરાબાદ નગરપાલિકા ટીમ સહિત લોકો સાથે મળીને રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજુલાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ-1 માંથી બન્ને નગરપાલિકાઓની જુની જી.યુ.ડી.સીની પાઇપલાઇન જર્જરિત થઈ ગઈ છે. ત્યારે આ બાબતે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ધારાસભ્યના પ્રયત્નોથી નવી પાઇપલાઇન નાખવા માટે મંજૂરી મળી હતી. અને પાઇપલાઇન માટેની કામગીરી શરૂ થતા સ્થાનિક ખેડૂતો દ્વારા વિરોધને કારણે નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી બંધ કરાઇ હતી. ત્યારે રાજુલા જાફરાબાદ નગરપાલિકા ટીમ, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો સાથે એકઠા થઇને રેલી કાઢવામાં આવી હતી. આ રેલી પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અને વહેલામાં વહેલી તકે આ નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. આ બાબતે પૂર્વ નગરપાલિકા પ્રમુખ રવુભાઇ ખુમાણે જણાવેલ કે, ધાતરવડી ડેમ-1 માંથી રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાને પાણી પહોંચાડવામાં આવે છે. અહીં જૂની પાઇપલાઇન જર્જરીત હાલતમાં છે. જેથી નવી પાઇપલાઇન નાખવા માટે ધારાસભ્યના પ્રયત્નોથી મંજૂરી મળી હતી. પરંતુ નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી કોઈ કારણોસર બંધ થતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. અને નવી પાઇપલાઇન નખાતા લોકોને પાણીની સમસ્યાના પ્રશ્નોનો હલ થઈ જશે. અને નિયમિત પીવાનું પાણી મળશે. ત્યારે રેલી કાઢી સ્વરૂપે પ્રાંત અધિકારી ના આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. આ રેલીમાં જોડાવા બદલ શહેરીજનો, વેપારીઓ સહિત લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.