રાજકોટની મા શારદા હોસ્પિટલ વિવાદમાં સપડાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરની ચાઈલ્ડ કેર મા શારદા હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે. 11 મહિનાની બાળકી મિતાંશીબા જાડેજાનું સારવાર દરમિયાન મોત થતા પિતાએ આક્ષેપ લગાવ્યો છે કે, મારી દીકરી જ્યારે મૃત્યુ પામી ત્યારે ડોક્ટરોએ અમને જાણ ન કરી અને અમારી પાસેથી પૈસા ખંખેરી લીધા પછી જ્યારે એમને થયું હવે આમની પાસે પૈસા નથી એટલે મારી દીકરીને મૃત જાહેર કરી અમને સોંપી દીધી. પિતા સહિત પરિજનોએ હોસ્પિટલ પહોંચી વલોપાત કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યાં સુધી તબીબની ધરપકડ નહીં થાય ત્યાં સુધી પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. ડો. જીતેન્દ્ર ગાધેને અનેક ફોન કરવા છતાં તેઓ હોસ્પિટલે આવ્યા ન હતા.
રાજકોટની મા શારદા હોસ્પિટલમાં એક 11 વર્ષીય બાળકીનું મૃત્યુ થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું છે. પરિવાર દ્વારા હોસ્પિટલના ડોક્ટર જીતેન્દ્ર ગાધે પર બાળકીના મૃત્યુનો અને પૈસા ખંખેરવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ત્રણ દિવસ પૂર્વે તાવ આવતો હોવાના કારણે બાળકીને શારદા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં મૃત બાળકીના પિતા જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મારી બાળકીને તાવ હતો. અત્યારસુધીમાં બાળકી માટે હોસ્પિટલમાં રૂ. 90 હજાર ખર્ચવામાં આવ્યા છે. શારદા હોસ્પિટલમાંથી સૌરાષ્ટ્ર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહી હતી તે દરમિયાન કોઈપણ જાતની વેન્ટિલેટર કે ઓક્સિજનની સુવિધા ન હોવાના કારણે બાળકીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મારી દીકરી મૃત્યુ પામી તેની જાણ પણ અમને ચારથી પાંચ કલાક બાદ કરવામાં આવી હતી. પરિવારજનો દ્વારા જ્યારે ડોક્ટર જીતેન્દ્ર ગાધેને કયા કારણોસર દીકરીનું મોત થયું છે તે બાબતે પુછતા પણ કશું જણાવવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે બાળકીના પિતા જનકસિંહ જાડેજા દ્વારા પોતાને તેમજ પોતાની દીકરીને ન્યાય મળે તે પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે. પિતાએ ડોક્ટરને ભગવાન નહીં રાક્ષસ ગણાવ્યા હતા.
બનાવ સંદર્ભે રાજકોટ શહેર પોલીસ દ્વારા બાળકીનું પીએમ હાલ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે પીએમ રિપોર્ટમાં બાળકીના મૃત્યુ બાબતેનું શું કારણ સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. મૃત બાળકીના પરિવારજનોએ કહ્યુ કે, જ્યાં સુધી મા શારદા હોસ્પિટલના તબીબ ડો. જીતેન્દ્ર ગાધે સામે પોલીસ ફરિયાદ નહીં થાય અને તબીબની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો.