ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ગોવર્ધન સોસાયટીમાં રહેતાં ઘનશ્યામભાઈ બાવાભાઈ પટેલ તથા અન્યોએ બોગસ સેલ્સ ટેક્ષ નંબરવાળા આશરે પાંચ કરોડ રૂપિયાના બોગસ બિલ બનાવી તથા ખોટા નામે બેન્ક એકાઉન્ટ ખોલી પાંચ કરોડ જેટલો લોખંડના સ્ક્રેપના ગેરકાયદે વેચાણ કરવા સબબ ભચાઉ તાલુકા પોલીસ સ્ટેશનમાં જે તે વખતના સેલ્સ ટેક્ષ અધિકારીએ નોંધાવેલ ગુન્હાનો કેસ ચાલી જતાં ભચાઉના એડી. ચીફ જ્યુ. મેજિ.એ તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલો છે.આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે તા. 17-4-2007ના ત્રણ માસ પહેલાં સુધી સેલ્સ ટેક્ષ ચેકપોસ્ટ, નેશનલ હાઈવે નં. 8એ ભચાઉ મધ્યે આરોપી ઘનશ્યામભાઈ બાવાભાઈ પટેલ તથા અન્ય આરોપીઓએ ભેગા મળી ગુનાહિત કાવતરુ રચી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા એસ. આર. ઈન્ડસ્ટ્રીઝ, જૂનાગઢના નામના ખોટા બિલ બનાવી, એસ. આર. ઈન્ડસ્ટ્રીઝ, જૂનાગઢના વેચાણ વેરા સર્ટિફીકેટ જૂનાગઢ સેલ્સ ટેક્ષ ઓફીસમાંથી મેળવી અને તેમાં છેડછાડ કરી તેનો ખોટી રીતે ઉપયોગ કરી રાજકોટ આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કમાં એસ. આર. ઈન્ડસ્ટ્રીઝના નામે ખોટું એકાઉન્ટ બનાવી, વરસાણા ઈસ્પાત લિ.માં ખોટા બિલોથી રૂપિયા પાંચ કરોડ જેટલો લોખંડનો ભંગાર મોકલાવી, વરસાણા ઈસ્પાત લિ. દ્વારા ચેકથી ચૂકવેલ ચાર ટકા ટેકસ સહિતની રકમ બેન્કમાંથી ઉપાડી અને ટેક્સની રકમ રૂપિયા વીસ લાખ વેચાણ વેરા ખાતામાં જમા નહીં કરાવી ગુજરાત સરકારના વેચાણ વેરા ખાતાના ટેક્સના રૂપિયા વીસ લાખ ઓળવી જઈ સરકાર સાથે છેતરપિંડી કરવા સબબ આરોપીઓ વિરુદ્ધ ભચાઉ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ 406, 467, 468, 471, 120(બી) મુજબનો ગુન્હો દાખલ કરી આરોપીઓની વિધિસર ધરપકડ કરી આરોપીઓ વિરુદ્ધ ભચાઉની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલી હતી.
- Advertisement -
આરોપીઓ તરફે રોકાયેલા રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી મનોજભાઈ તંતીએ પોતાની દલીલમાં એવું જણાવેલ કે હાલના કેસમાં ફરિયાદ પક્ષ દ્વારા વાદગ્રસ્ત બિલો તથા આરોપીની સહીઓ એફ.એસ.એલ.માં મોકલવામાં આવેલ હોવાનું રેકર્ડ પર હોવા છતાં ફરિયાદ પક્ષ દ્વારા એફ.એસ.એલ.નો અભિપ્રાય કોર્ટના રેકર્ડ પર લાવવામાં ફરિયાદ પક્ષ સદંતર નિષ્ફળ નીવડેલો હોય તેમજ તપાસવામાં આવેલા તમામ સાહેદોનો પુરાવો સદંતર એકબીજાથી વિરોધાભાસી છે એવી દલીલો કરી પોતાની દલીલના સમર્થનમાં નામ. સર્વોચ્ચ અદાલત તથા અલગ-અલગ વડી અદાલતના ચૂકાદા રજૂ કરી તમામ આરોપીઓને છોડી મૂકવા રજૂઆત કરેલી હતી.ત્યારબાદ બંને પક્ષોની દલીલો ધ્યાને લઈ ભચાઉના એડી. ચીફ જ્યુ. મેજિ.એ ફરિયાદપક્ષ તરફથી રજૂ થયેલા પુરાવામાં આરોપીને ગુન્હા સાથે સાંકળી શકાય તેવો કડીબદ્ધ પુરાવો ફરિયાદપક્ષ રજૂ કરવામાં નિષ્ફળ નીવડેલા હોય તેમજ આરોપીઓ વિરુદ્ધ પોતાનો કેસ નિ:શંકપણે પૂરવાર કરવામાં નિષ્ફળ નીવડેલ હોય એવું ઠરાવી તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલો છે. આ કામમાં આરોપી ઘનશ્યામભાઈ બાવાભાઈ પટેલ વતી ગુજરાતના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્યામલભાઈ સોનપાલ, મનોજભાઈ તંતી, નિલેષભાઈ વેકરીયા, મલ્હાર સોનપાલ, અજય દાવડા, મિત સોમૈયા, યશ ચારોા, જીગર દત્તાણી રોકાયેલા હતા.