ખનીજ માફિયાઓ વિરૂદ્ધ હરિપર-તરવડાનાં શખ્સોએ PIને પાઠવી અરજી
આરોપીઓ સરકારી ખરાબાની અને ગૌચરની જમીન પચાવી પાડે છે, ગ્રામ પંચાયત પગલાં લેતી નથી: ગંભીર આક્ષેપો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
‘ખાસ-ખબર’ના ગઈકાલના અહેવાલ બાદ રાજકોટ એસ.પી. કચેરીએ સમીરભાઈ રાજુભાઈ ઠેબા, એજાજ મોહમદભાઈ હોથી, સાહીલભાઈ હનીફભાઈ ઠેબા, સાહીલભાઈ સબીરભાઈ ઠેબાએ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસને ગુલાબભાઈ દાઉદભાઈ ઠેબા, સુલતાન અલ્લારખાભાઈ ઠેબા, સાહીલ રમજાન ઠેબા અને અન્ય 4 ઈસમો વિરૂદ્ધ લેખિત ફરિયાદ કરેલ છે.
જે મુજબ- અમો ફરિયાદીઓ ઉપરોક્ત દર્શાવેલ સરનામે અમારા કુટુંબ-કબીલા સાથે રહીએ છીએ અને આ કામના આરોપીઓ પણ અમારા ગામમાં જ રહે છે તેથી અમો ફરિયાદીઓ આ કામના આરોપીને ઓળખીએ છીએ અને આ કામના આરોપીઓ ખાણ-ખનીજનો ધંધો કરે છે જેથી આ કામના આરોપીઓ ગામમાંથી બેફામ રીતે પોતાના વાહન ચલાવે છે જેથી અમો ફરિયાદીએ આ કામના આરોપીઓ ઉપર અગાઉ પણ અમોએ આ વિષય ઉપર ખનીજ વિભાગ તથા પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરેલ છે પરંતુ આજદિન સુધી તે અરજીઓ અંગે કોઈપણ જાતની કાર્યવાહી થયેલ નથી.
આ કામના આરોપીઓએ અમો ફરિયાદીઓ ઉપર પોતાના ડમ્પર ચડાવી દેવાના ઘણી વખત પ્રયત્નો કરેલ છે અને આ કામના આરોપીઓ કહે છે આ રોડ અમારા બાપનો છે જેથી અમોને મજા આવશે તેવા કૃત્યો અમો કરીશું અને અમો ફરિયાદીઓને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપે છે.
આ કામના આરોપીઓ સરકારી ખરાબાની જગ્યા તથા ગૌચરની જગ્યાઓ પણ પચાવી પાડે છે અને બારોબાર તે જગ્યાએ વેંચી નાખે છે અમો ફરિયાદીઓ આ મુશ્કેલી ભોગવીએ છીએ તે અંગે અમારા હરિપર તરવડા ગ્રામ પંચાયત ખાતે પણ ઘણી વખત રજૂઆતો કરી છે પરંતુ ગ્રામ પંચાયતે પણ આ કામના આરોપીઓ વિરૂદ્ધ કોઈપણ જાતનું પગલું લીધેલ નથી જેથી અમો ફરિયાદીઓએ આપ સાહેબને આ અરજી કરવાની ફરજ પડેલ છે.
આ કામના આરોપીઓ અમો ફરિયાદી જેવા ગામના ઘણા લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરે છે અને આ કામના આરોપી ગુન્હો કરવા ટેવાયેલા છે જેથી આ કામના આરોપીઓ ખુલ્લેઆમ ધમકીઓ આપે છે.
આ કામના આરોપીઓ કહે છે કે લોધીકા પોલીસ સ્ટેશન મારા ખિસ્સામાં છે, તમે મારું કંઈ બગાડી શકશો નહીં. હું ખાણ ખનીજ અને પોલીસ સ્ટેશનમાં કાયમ હપ્તાઓ ચૂકવું છું જેથી પોલીસવાળા પણ મારું કંઈ બગાડી શકશે નહીં.
આ કામના આરોપીઓ રાજકીય લાગવગ ધરાવતા હોય અમો ફરિયાદીને જેમ ફાવે તેમ ધાકધમકીઓ આપે છે અને જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તારી જિંદગી બરબાદ કરી નાખીશ અને જો તું પોલીસ ફરિયાદ કરીશ તો પોલીસવાળા અમારો વાળ પણ વાંકો નહીં કરી શકે તેમજ આ કામના આરોપી અમોને કહે છે કે પોલીસ પણ અમારા ખિસ્સામાં છે આમ અમારી અરજીની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક અસરથી ઉપરોક્ત આરોપીને પકડી પાડી કાયદા દ્વારા પ્રસ્થાપિત કરેલ જોગવાઈઓ મુજબ યોગ્ય કાર્યવાહી કરી આ કામના આરોપીઓને સખત નશ્યતે પહોંચાડવા અમારી નમ્ર અરજ છે.
આ કામના આરોપીઓ ઝનુની સ્વભાવના હોય જેથી ભવિષ્યમાં અમો ફરિયાદીઓ તથા અમારા કુટુંબીજનો ઉપર કોઈપણ જાતનો ગેરકાયદેસરનો અણબનાવ ઉભો થાય તો તેની તમામ પ્રકારની જવાબદારી આ કામના આરોપીઓની રહેશે.
ફરિયાદીઓ પર ડમ્પર ચડાવી દેવા અનેક વખત પ્રયાસો થયા: આખા સૌરાષ્ટ્રમાં ખનીજ માફિયાઓ બેફામ-બેલગામ