સ્પેશિયલ NIA જજ ચંદ્રજિત સિંહે બંધ રૂમમાં કેસની સુનાવણી કરી; અડધી રાતે ચુકાદો સંભળાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
- Advertisement -
2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલી આપ્યો છે. એજન્સીએ કોર્ટ પાસેથી 20 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. NIA એ કોર્ટને જણાવ્યું છે કે, કાવતરાનો પર્દાફાશ કરવા માટે આરોપીની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. સ્પેશિયલ NIA જજ ચંદ્રજિત સિંહે બંધ રૂમમાં કેસની સુનાવણી કરી અને ગુરુવારે અડધી રાતે 2 વાગ્યે ચુકાદો સંભળાવ્યો.
રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. જોકે, તેને ક્યારે અને કયા વોર્ડમાં રાખવામાં આવશે તે અંગેનો અંતિમ નિર્ણય હજુ સુધી જાણી શકાયો નથી. તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAWની સંયુક્ત ટીમ (9 એપ્રિલ) બુધવારે રાણાને લઈને અમેરિકાથી રવાના થઈ હતી.
64 વર્ષીય તહવ્વુર રાણાને ગઈકાલે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. 10 એપ્રિલના રોજ ગુરુવારે સાંજે લગભગ 6:30 વાગ્યે રાણાને લઈને યુએસ ગલ્ફસ્ટ્રીમ G550 વિમાન દિલ્હીના પાલમ ટેક્નિકલ એરપોર્ટ પર ઊતર્યું. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ થયું, ત્યાર બાદ તેને સીધો NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો હતો.
ગઈકાલે રાત્રે, રાણાનો પહેલો ફોટો પણ સામે આવ્યો હતો જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA )ના અધિકારીઓ તેને પકડીને ઊભા જોવા મળ્યા હતા. આજે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે બીજો ફોટો બહાર પાડ્યો છે. આમાં, અમેરિકન માર્શલ્સ તેને ગઈંઅ અધિકારીઓને સોંપી રહ્યા છે.
આતંકવાદી તહવ્વુર રાણાની આજે NIA દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે. NIA ના SP અને DSP રેન્કના અધિકારીઓ રાણાની પૂછપરછ કરશે. પૂછપરછ NIAના પૂછપરછ રૂમમાં CCTVની સામે થશે અને સમગ્ર રેકોર્ડિંગ કરવામાં આવશે. રાણાની કસ્ટડી દરમિયાન NIA દૈનિક પૂછપરછ ડાયરી તૈયાર કરશે. પૂછપરછના અંતિમ રાઉન્ડ પછી, તેનો ખુલાસો નિવેદન રેકોર્ડ પર લેવામાં આવશે. આ કેસ ડાયરીનો એક ભાગ છે.
- Advertisement -
NIAવતી કોર્ટમાં રજૂ કરાયેલી દલીલ
મુંબઈ હુમલાના કાવતરાનો પર્દાફાશ કરવા માટે તેને કસ્ટડીમાં લેવો અને પૂછપરછ કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આતંકવાદી હુમલાઓને અંજામ આપવામાં રાણાની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે.
મુંબઈ હુમલાના બીજા આરોપી ડેવિડ કોલમેન હેડલીએ ભારત આવતા પહેલા તહવ્વુર રાણા સાથે સમગ્ર કામગીરીની ચર્ચા કરી હતી.
હુમલા દરમિયાન આવનારા પડકારોનો અંદાજ લગાવીને, હેડલીએ રાણાને એક ઈમેલ મોકલ્યો હતો, જેમાં તેની વસ્તુઓ અને સંપત્તિની વિગતો આપવામાં આવી હતી.
હેડલીએ રાણાને ઇલ્યાસ કાશ્મીરી અને અબ્દુર રહેમાનની કાવતરામાં સંડોવણી વિશે પણ માહિતી આપી હતી.