આ 45 બ્લોકની વ્યવસ્થા ધરાવતી શાકમાર્કેટનો વેપારીઓ પોતાનું વધારાનું શાક મૂકવા જ ઉપયોગ કરે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં વર્ષો પહેલા લોકોને શાકની ખરીદી કરવા માટે પાલિકા દ્વારા શાકમાર્કેટ અલંકાર રોડ પર બનાવાઇ હતી. જેને હાલ 45 વર્ષ બાદ જાળવણીના અભાવે બંધ પડી છે. હાલ ત્યાં જે લોકોને બેસવા માટે થડા ફાળવવામાં આવ્યા હતા. ત્યાં ઉપયોગના અભાવે ભંગાર પડ્યો રહે છે. તો ક્યાંક ઝાળી બાવળો ઊગી નીકળ્યા છે. ત્યારે શહેર મધ્યે આવેલી શાકમાર્કેટ લોક ઉપયોગી થાય તેવા પ્રયાસ કરવા લોકમાગ ઊઠી છે. સુરેન્દ્રનગર દૂધરેજ પાલિકા દ્વારા 1980માં શહેરના આંબેડકર ચોક પાસે અલંકાર સિનેમા તરફ જતા રોડ પર એક શાકમાર્કેટ બનાવવામાં આવી હતી.
- Advertisement -
જ્યાં અલગ અલગ બ્લોક બનાવી વેપારીઓને બેસવા માટે વ્યવસ્થા કરાઇ હતી. પરંતુ સમયાંતરે શહેરના મુખ્ય માર્ગો પરની શાકમાર્કેટમાં ફેરીયા તથા લોકો વળી જતા આ શાકમાર્કેટની ઉપયોગીતા ઘટવા લાગી હતી. જ્યારે આ શાકમાર્કેટમાં લોકો ખરીદી કરવા ઓછા આવવા લાગતા બ્લોક ફાળવાયા હતા. તે ફેરીયા પણ લારીઓ કરી બજારમાં વેચવા લાગ્યા હતા. હાલ આ 45 બ્લોકની સુંદર વ્યવસ્થા ધરાવતી શાકમાર્કેટ બંધ પડી રહે છે. એક વેપારી જે પાલિકાએ ફાળવ્યો તે બ્લોકમાં પોતાનું બકાલું મૂકવા જ ઉપયોગ કરે છે. આ બજારમાં એક સમયે લોકો ખરીદી માટે આવતા હતા. ધીમે ધીમે બીજી શાકમાર્કેટ તરફ વધુ જવા લાગ્યા એટલે અહીં કોઇ આવતું નથી. જેમના થડા છે તે લોકો સામાન મૂકી રાખ્યો તે પડી રહ્યો છે. જ્યારે પાલિકાને આ જગ્યા માટે 25 રૂપીયા ભાડુ ચૂકવવામાં આવે છે. આમ શહેરની મધ્યમાં આવેલું શાકમાર્કેટ જાળવણીના અભાવે ક્યાં છત પરથી પોપડા ઊખડી પડી રહ્યા છે. તો ક્યાંક શાકભાજીના થડામાં ભંગાર પડ્યો છે તો ઘણા ખરા થડાનો ઉપયોગના અભાવે બાવળીયા ઊગી નીકળ્યા છે. હાલમાં જર્જરિત થઈ ગઈ હોવા સાથોસાથ તેમના બંને દરવાજાઓ પણ સડી ગયા છે જેના કારણે આ માર્કેટના બંને દરવાજાઓ ખુલ્લા રહે છે.



