ચૈત્રી નવરાત્રિના આઠમાં નોરતે રાજ્યની શાંતિ-સુખાકારી માટે પ્રાર્થના કરી
ચૈત્રી નવરાત્રિના મહાઅષ્ટમી પર પાવન અવસરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા પ્રાચીન અને પૌરાણિક અંબાજી મંદિરની મુલાકાત લઇને માતાજીના દર્શન કર્યા હતા. ગૃહમંત્રીએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના લોકોની શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ભાગળ વિસ્તારમાં આવેલા આ અંબાજી મંદિરનું મહત્વ ખાસ છે. કારણ કે, અંદાજે 600 વર્ષ જૂનું પૌરાણિક મંદિર ગણાય છે. લોકકથાઓ અનુસાર, છત્રપતિ શિવાજી મહારાજ પણ સુરત પર ચડાઈ વખતે અહીં માતાજીના દર્શને પધાર્યા હતા. માતાના આશીર્વાદ લીધા બાદ શિવાજી મહારાજ ગુપ્ત માર્ગથી તાપી નદીના કિનારે પહોંચી ગયાં હતા, એવી કથાઓ પ્રચલિત છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં દર્શન કર્યા બાદ જણાવ્યું હતું કે, આજે ચૈત્રી નવરાત્રિના આઠમના પાવન દિવસે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભક્તો માતાજીના દર્શનાર્થે મંદિરોમાં ઉમટી પડયા છે. આ આપણા દેશની સંસ્કૃતિ અને ભક્તિ પરંપરાનું જીવંત ઉદાહરણ છે. મને આજે ભાવિક ભક્તો સાથે મા અંબાના ચરણોમાં માથું ઝુકાવી રાજ્યની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો અવસર મળ્યો, એથી હું ધન્યતા અનુભવું છું.