પોલીસનું કડક વલણ, ગુનેગારોમાં ફફડાટ
અમુક આરોપીઓ સામેથી કોર્ટમાં હાજર થઈ ગયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદ શહેરના ઝોન 06 ડીસીપી રવિ મોહન સૈની દ્વારા ઝોન 06 વિસ્તારના સાતેય પોલીસ સ્ટેશનોમાં સમન્સ વોરંટની બજવણી બાબતે એક ખાસ ડ્રાઈવનું આયોજન કરી, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર, ઈસનપુર, વટવા, જીઆઇડીસી વટવા, કાગડાપીઠ, દાણીલીમડા અને નારોલ સહિતના સાતેય પોલીસ સ્ટેશનોમાં મળી, કુલ 488 જેટલા સમન્સ, જામીન લાયક વોરંટ અને બિન જામીનલાયક વોરંટની બજવણી કરવામાં આવી છે.
અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ. જાડેજા, મણિનગર પીઆઈ ડી.પી. ઉનડકટ, વટવા પીઆઈ પી.બી.ઝાલા, જીઆઇડીસી પીઆઈ આર.એમ. પરમાર, કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. એ.ગોહિલ, આર.આર.સોલંકી, દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ જી.જે.રાવત તથા નારોલ પીઆઈ પરિમલ દેસાઈ દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદી જુદી ટીમો બનાવી, સમન્સ વોરંટની બજવણી કરવા સતત 24 કલાક ખાસ ડ્રાઈવનું આયોજન કરી, અસરકારક કામગીરી કરવામાં આવી છે. આ ખાસ ડ્રાઈવ દરમિયાન ઝોન 06 વિસ્તારમાં કુલ 179 સમન્સ, કુલ 88 નોટિસ, કુલ 93 જામીન લાયક વોરંટ તથા કુલ 95 બિન જામીનલાયક વોરંટની બજવણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ઈ સમન્સ સ્કીમ અંતર્ગત 33 જેટલા ઈ સમન્સ પણ બજાવવામાં આવેલા હતા. ઘણા સમયથી પેન્ડિંગ એવી ભરણપોષણની નોટિસ પણ સારા પ્રમાણમાં બજાવવામાં આવી હતી અને બિન જામીનલાયક વોરંટના કુલ 23 આરોપીઓની ધરપકડ કરી, જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
આમ, ડીસીપી ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનો ખાતે સ્થાનિક પોલીસ દ્વારા સમન્સ, નોટિસ, વોરંટના ગુન્હેગારોને લાંબા સમયથી કોર્ટમાં હાજર રહેતા ના હોય, તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવતા, સમન્સ વોરંટમાં નામદાર કોર્ટમાં હાજર ના રહેતા ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો છે, જેથી અમુક આરોપીઓ સામેથી નામદાર કોર્ટમાં હાજર થઈ ગયા હતા.
- Advertisement -