દસ વર્ષના કાર્યકાળમાં 75.21 લાખની બેનામી સંપત્તિ એકઠી કરી હતી
મોડી રાત્રે ઘરે દરોડા પાડયા પણ આરોપી હાથ ન લાગ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં થયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ એસીબીની ટીમે પણ ઝંપલાવ્યું હતું અને મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ સાગઠિયા, તત્કાલીન ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાના ભ્રષ્ટાચારનો ભાંડાફોડ થયો હતો તપાસ દરમિયાન પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વેગડ પાસે પણ તેની આવક કરતાં રૂ. 75,21,093ની બેનામી મિલકત હોવાનું સ્પષ્ટ થતાં તેની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
- Advertisement -
પ્રાપ્ત વિગત મુજબ, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્રારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત સરકારી અધિકારી – કર્મચારીઓ દ્રારા ગેરકાયદેસર સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા-સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર – જંગમ મિલ્કતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
તે દરમિયાન રાજકોટ મહાનગરપાલીકામાં ફરજ બજાવતાં તત્કાલીન આસીસટન્ટ ટાઉન પ્લાનર, ટી.પી.યુનીટ અને હાલ નાયબ કાર્યપાલક ઇજનેર, (સિવિલ શાખા), વર્ગ-2, બાંધકામ શાખામાં ફરજ બજાવતાં અજયભાઈ મનસુખ વેગડ વિરૂધ્ધ અપ્રમાણસર મિલ્કત અંગે તપાસ કરતાં તેમજ ફરજ કાળ દરમિયાન તા.01/04/2014 થી તા.03/06/2024 સુધીના સમયગાળાના મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહિતી, તેમના નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ એસીબીની ટીમ દ્વારા કરવામાં આવ્યા બાદ આરોપીએ પોતાની કાયદેસરની ફરજ દરમયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે ભ્રષ્ટાચારથી નાણાં મેળવી, તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના પત્નિ તથા બાળકોના નામે સ્થાવર / જંગમ મિલ્કતોમાં રોકાણ કરેલાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જેથી આરોપી અજય વેગડ વિરૂધ્ધ રૂા.75,21,093 એટલે કે, 38.76 % વધુ અપ્રમાણસર મિલ્કતો સંપત્તિ વસાવેલ હોય, જે બાબતની અરજીની તપાસ એસીબી નિયામક પિયુષ પટેલ, ડીવાયએસપી કે.એચ.ગોહિલના માર્ગદર્શન મુજબ એસીબી રાજકોટ પીઆઈ પી.એ.દેકાવાડીયાએ ફરીયાદી બની આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 13(1)(બી) તથા 13(2) મુજબનો ગુન્હો દાખલ કરેલ હતો.
જે બાદ ગુન્હાની આગળની તપાસ એસીબી રાજકોટ ગ્રામ્ય પીઆઈ જે.એમ.આલને સોંપવામાં આવતાં ટીમ દ્વારા આરોપીને સત્યસાંઈ રોડ પર આવેલ આલાપ એવન્યુમાં રહેતાં અજય વેગડના ઘરે દરોડા પાડી ફ્લેટની જડતી લીધી હતી, પરંતુ અજય વેગડ મળી ન આવતાં તેની ધરપકડ થઈ શકી ન હતી વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી અજય વેગડે ભ્રષ્ટચારમાંથી કમાયેલ બેનામી મિલકતમાંથી નાનામવા રોડ પર એક દુકાન, રાજકોટ અને આણંદમાં મકાન ખરીદી કર્યાનું સામે આવ્યું છે



