મવડી આસપાસના રહીશોએ એકઠા થઈ ફ્લેશ લાઇટ શરૂ કરી મહાદેવના નારા લગાવ્યાં; જગ્યા બદલવા માગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટનાં મવડી વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીનાં પ્લોટમાં 6 વોર્ડનાં ટીપરવાનનું પાર્કિંગ બનાવવા માટેનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને આસપાસની અલગ-અલગ સોસાયટીમાં રહેતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આજે (27 માર્ચ, 2025) જુદી-જુદી 10 સોસાયટીનાં રહેવાસીઓ મનપા કચેરીએ દોડી આવ્યા હતા. આ પાર્કિંગ મંદિરની દીવાલની બાજુમાં આવતું હોવાથી તેને રદ્દ કરવાની માગ કરી હતી.
રાત્રિના જે પ્લોટમાં ટીપરવાન માટેનું કામ ચાલી રહ્યું છે, ત્યાં એકઠા થઈ મોબાઈલ ફોનની ફ્લેશ લાઇટ શરૂ કરી અને મહાદેવના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકો દ્વારા મનપા કચેરી ખાતે પણ આવેદન પત્ર પાઠવી પ્લોટને ટીપરવાનની જગ્યાએ અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ટીપરવાનનાં પાર્કિંગને લઈ રોગચાળો ફેલાય તેવી દહેશત હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના મવડી વિસ્તારમાં મંજૂર થયેલી ટી.પી.એસ નંબર-26માં એફ.પી.નં.3(અ)માં હાલ રહેણાંક વિસ્તાર છે. આ એફ.પી.માં પહેલા ગાર્ડનનું રિઝર્વેશન ફાળવવામાં આવ્યું હતું. જેની સાચા અર્થે જરૂરિયાત છે, પરંતુ હાલ આ એફ.પી.માં ફેરફાર કરી સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાળવવામાં આવ્યું છે. જેમાં પણ અહીં આસપાસનાં 6 વોર્ડનો કચરો ઉપાડતી ટીપરવાનનું પાર્કિંગ કરવા માટે આ જગ્યા ફાળવવામાં આવી છે.
- Advertisement -
જો અહીં ટીપરવાનનું પાર્કિંગ આવે તો રહેણાંક વિસ્તારમાં ખુબ જ ટ્રાફિક તેમજ ગંદકી સર્જાય તેમ છે. આ પ્લોટની બાજુમાં જ પૌરાણિક શિવમંદિર હોવાથી જો મંદિરની બાજુમાં કચરાની ગાડીનું પાર્કિંગ આવે તો આજુબાજુમાં રહેતા તમામ વ્યક્તિની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચે તેમ છે. ત્યારે પાર્કિંગ રદ્દ કરી ગાર્ડન બનાવવામાં આવે તે માટેની માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.
આ વિસ્તારમાં રહેતા રાજભાઈ પંડ્યાએ જણાવ્યું કે, અમે જીવરાજ પાર્કનાં ઇસ્કોન હાઇટ્સમાંથી આવ્યા છીએ. અમારી સાથે આસપાસની 10-11 સોસાયટીનાં લોકો પણ રજૂઆત કરવા આવ્યા છે. અમારો પ્રશ્ન છે કે, અમારા વિસ્તારમાં રાજ રાજેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. જેની બાજુમાં મનપાનો પ્લોટ છે અગાઉ ત્યાં ગાર્ડન બનાવવામાં આવનાર હતું, પરંતુ હવે ટીપરવાન પાર્કિંગ આ પ્લોટમાં ઉભું કરવામાં આવનાર છે. મંદિરની દીવાલને અડીને આવેલા પ્લોટમાં આ પાર્કિંગનાં કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાય તેમ છે. તેમજ ગંદકી ફેલાવાના કારણે બાળકો અને સિનિયર સિટીઝનોમાં બીમારી પણ ફેલાય તેવી શક્યતા હોવાથી આ પાર્કિંગ રદ્દ કરી ગાર્ડન બનાવવા મેયર સહિતનાઓને રજૂઆત કરાઈ છે.
રીટાબેન પરસાણા નામની સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, અગાઉ જે પ્લોટમાં ગાર્ડન બનાવવાની વાત હતી તે પ્લોટમાં હવે ટીપરવાનનું પાર્કિંગ બનાવવામાં આવનાર છે. આ પ્લોટની બાજુમાં મહાદેવનું મંદિર છે. એટલું જ નહીં આ રેસિડેન્ટ વિસ્તાર હોવાથી ટીપરવાનનું પાર્કિંગ કરવામાં આવે તો ગંદકી અને કચરો થવાની શક્યતા છે. જેને લઈ આસપાસમાં રહેતા હજારો લોકોનું આરોગ્ય પણ જોખમમાં મુકાવાની સંભાવના છે. આ કારણે જ આજે આસપાસની સોસાયટીના લોકો મોટી સંખ્યામાં મનપા કમિશ્નર અને મેયર સહિતનાને રજૂઆત કરી છે. આ પાર્કિંગનો નિર્ણય રદ્દ કરીને ત્યાં બગીચો બને તેવી માગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આજે મનપા કચેરીએ ઇસ્કોન હાઇટ ઓનર એસોસિએશન, લક્ષ્મી પાર્ક સોસાયટી, અક્ષર એવન્યુ ફ્લેટ એસોસિએશન, ગિરિરાજ-3 એપાર્ટમેન્ટ, સહજાનંદ પાર્ક, શ્યામલ સતવ ઓનર એસોસિએશન, શુભ એવન્યુ ઓનર એસોસિએશન, અવધ રેસિડેન્સી સહિતની સોસાયટીમાં રહેતી મહિલાઓ તેમજ પુરૂષો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. મેયર, ડે. કમિશ્નર સહિતનાને મળી પોતાની વ્યથા ઠાલવી હતી. તેમજ આ ટીપરવાન પાર્કિંગના પ્રોજેક્ટને રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી. ત્યારે હવે તંત્ર દ્વારા આ અંગે ક્યારે અને શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.



