રાજકોટમાં બંગડી બજારમાં લુખ્ખાઓનો આતંક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત પોલીસે સમગ્ર ગુજરાતમાં ગુનેગારો ઉપર હાલમાં ઘોંસ બોલાવી છે તેમાં બે મત નથી. ગુનેગારો આજે પોલીસને જોઈને ડરી પણ રહ્યા છે. પરંતુ રાજકોટ શહેરમાં લુખ્ખાઓ દિવસેને દિવસે શહેરને બાનમાં લઈ રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. 18 તારીખે રાજકોટના બંગડી બજારમાં 2 લુખ્ખાઓએ એક વેપારી અને તેના વૃદ્ધ માતાને મારમારી, ગાળો દઈ આતંક મચાવ્યો હતો અને અંતમાં છરીના ઘોદા મારી દેવાની ધમકી આપી હતી. ડરેલા વેપારીએ આ બાબતે 20 તારીખે એ. ડીવીઝન પોલીસ સ્ટે.માં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, હિરેનભાઈ નરસાણા (ફરિયાદી વેપારી)ની દુકાન શહેરના બંગડી બજારમાં અરિહંત હેન્ડિક્રાફટ નામે છે. વેપારીએ પોતાની દુકાન પાસે પોતાનું વ્હિકલ પાર્ક કર્યું હતું. આ સમયે ત્યાંથી 2 વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓએ વેપારીને કીધુ કે અહીંથી સ્કૂટર લઈલે અને રોફ ઝાડ્યો હતો. તું અમને ઓળખતો નથી તેવું પણ બોલ્યા હતા. વેપારી પોતાની દુકાનમાં ચાલ્યા જાય છે અને એ સમયે સ્કૂટર પર આવેલ બંને ગાળો બોલવા લાગે છે. બાદમાં સ્કૂટર પર આવેલ બંન્નેને વેપારી સાથે માથાકૂટ થાય છે અને તેમાં વેપારીને માર મારવામાં આવે છે અને ગાળો પણ આપે છે. આ સમયે વેપારીના વૃદ્ધ માતા વચ્ચે પડે છે તો તેમને પણ મારવામાં આવ્યું અને હાથ મરડી નાખવામાં આવ્યો. આ સમયે ત્યાંના અન્ય વેપારીઓએ મહિલાને ન મારવા કહ્યું. બાદમાં બંને લુખ્ખાઓ વેપારીને છરીના ઘોદા મારી દેવાની અને રાજકોટ મૂકાવી દેવાની ધમકી પણ આપે છે. ઇજાગ્રસ્ત વેપારીએ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી અને 20 તારીખે એ. ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવી હતી.



