ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત 8-મી માર્ચ, 2025ના રોજ 114-મા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિતે મહિલાઓ એક દિવસ માટે, સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત કુલ-41,660 મહિલાઓ/બહેનો દ્વારા સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ લેવામાં આવ્યો છે તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષના નેતા શ્રીમતી લીલુબેન જાદવ અને શાસકપક્ષના દંડક મનીષભાઈ રાડીયાએ સંયુક્ત યાદીમાં જણાવે છે. શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (જઙટ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બંને બસ સેવાનો દૈનિક ધોરણે અંદાજીત 50,000 થી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે. સિટી બસ સેવામાં સિનિયર સિટિઝનને ફ્રી મુસાફરીની જાહેરાતના નિર્ણયથી અંદાજીત દૈનિક 7,000 થી વધુ સિનિયર સિટિઝન દ્વારા પણ લાભ લેવામાં આવે છે. રાજકોટમાં 100 સી.એન.જી. તથા 99 ઇલેક્ટ્રિક બસ કાર્યરત છે.