સ્વામિનારાયણ સંતે જલારામ બાપા વિશે બફાટ કર્યો તો ય સતિષ વિઠલાણી સદંતર મૌન રહ્યાં
સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે જલારામ બાપા અને વીરપુરમાં ચાલતા સદાવ્રત વિશે વિવાદિત વાતો કરી હતી. થોડા દિવસ પૂર્વે જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરાયેલા બફાટને લઈને રઘુવંશી સમાજ સહિતના હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. આ અંગે રઘુવંશી સમાજે માંગણી કરી હતી કે, જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવીને તેમના ખાલીખોટા નિવેદન બદલ માફી માંગે અને ત્યારબાદ રઘુવંશી સમાજથી લઈ અઢારે વરણના નાના-મોટા વ્યક્તિઓ દ્વારા વિરોધ તેમજ પ્રદર્શનો કરવામાં આવતા ગતરોજ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર આવી જલારામ મંદિરમાં બે હાથ જોડી જલારામ બાપા અને સમગ્ર સમાજની માફી માગી લીધી હતી.
- Advertisement -
આ દરમિયાન જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન ઉપરાંત તેમના દ્વારા જે પ્રકારે કાળા કાચવાળી નંબર પ્લેટ વિનાની બ્લેક ગાડીમાં આવીને માફી માગવામાં આવી તે બાદ રઘુવંશી સમાજમાં હજુ પણ રોષની લાગણી અકબંધ છે અને ક્યાંકને ક્યાંક જ્ઞાનપ્રકાશ સ્વામી જેટલો જ રોષ લોહાણા પરિષદના પ્રમુખ સતિષ વિઠલાણી વિરુદ્ધ પર પણ જોવા મળી રહ્યો છે. કેમ કે જ્ઞાનપ્રકાશ સ્વામીના વિવાદીત નિવેદન બાદ આખો રઘુવંશી સમાજ પાંચ આંગળી ભેગી થાય અને એક શક્તિશાળી મુઠ્ઠી વળે તેમ ભેગો થયો પણ લોહાણા પરિષદના પ્રમુખ સતિષ વિઠલાણીએ જલારામ બાપા અને વીરપુર ધામના અપમાન મામલે એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો. અધૂરામાં પૂરું જ્યારે રઘુવંશી સમાજના યુવાનો અને બહેનો સમગ્ર મામલે વેપાર-ધંધા બંધ રાખી બેઠકો યોજી વ્યક્તિગત વિરોધ દર્શાવી રહ્યા હતા ત્યારે લોહાણા સમાજના પ્રમુખ સતિષ વિઠલાણી પોતાની ઈવેન્ટમાં બિઝી હતા. દુબઈમાં પોગ્રામ-પાર્ટી કરવાના પ્લાનિંગ કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સમાજના પ્રમુખ તરીકે સમાજના નાનામોટા પ્રશ્ર્નોમાં આગળ આવવાની પ્રાથમિક જવાબદારી બને છે. જોકે જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અને વીરપુર ધામ વિશે વિવાદીત નિવેદન કર્યા બાદ રઘુવંશી સમાજની લાગણી દુભાઈ ત્યારે સમાજના લોકોને પડખે રહેવા વિશે લોહાણા પરિષદના પ્રમુખ સતિષ વિઠલાણી પોતાની જવાબદારી ચૂક્યા હોય તેવું સ્પષ્ટ દર્શાઈ આવે છે. તેઓએ જ્ઞાનપ્રકાશ સ્વામી કે જલારામ બાપા કે રઘુવંશી સમાજ વિશે કોઈ પ્રકારનું નિવેદન ન આપી જાણે તેઓને જલારામ બાપા, વીરપુર કે પછી રઘુવંશી સમાજ સાથે કોઈ લેવાદેવા ન હોય તેવું વલણ અપનાવ્યું હતું. સતિષ વિઠલાણીના આ વર્તન-વ્યવહાર બદલ હાલ રઘુવંશી સમાજમાં તેના વિરુદ્ધ રોષની લાગણી પ્રવર્તી રહી છે તો તેઓ ક્યાં આધારે લોહાણા પરિષદના પ્રમુખ બની બેઠા છે તેવા સવાલો પણ ઉઠવાના શરૂ થઈ ચૂક્યા છે.
રઘુવંશી સમાજના સામાન્ય યુવાનોએ પણ અવાજ ઉઠાવ્યો જ્યારે સતિષ વિઠલાણી માત્ર બિઝનેસ ડીલ કરતાં રહ્યાં
જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા પર કરેલી ટિપ્પણીથી વિવાદ વકર્યો
- Advertisement -
જ્ઞાતિના નામે વેપાર-ધંધો કરવામાં પાવરધા સતિષ વિઠલાણી જ્ઞાતિના જ પ્રશ્ર્નોમાં પીછેહઠ કરી દે છે?
રઘુવંશી સમાજના લોકો કહી કહ્યા છે કે, લોહાણા જ્ઞાતિના નામે ચરી ખાનાર સતિષ વિઠલાણી બની બેઠેલા પ્રમુખ છે. તેઓ લોહાણા સમાજના નામે બિઝનેસ સમિટ સિવાય કશું કરી શક્યા નથી. ફક્ત લોહાણા સમાજના વીરપુર જલારામ બાપાના અપમાનના મામલે જ નહીં પરંતુ વેરાવળ લોહાણા સમાજના ડો. ચગના આપઘાતથી લઈ બીજા અનેક પ્રશ્ર્નો સમયે તેઓએ જ્ઞાતિજનોની તરફેણમાં એક શબ્દ બોલ્યો હોય એની નોંધ ક્યાંય નથી. તેઓ ફક્તને ફક્ત મંચ પર બિરાજવા અને મોટીમોટી વાતો કરવા ટેવાયેલા છે. સમાજના લોકોના માન-અપમાનની બાબતમાં તેઓ રસ લેતા ક્યારેય જોવા મળ્યા નથી ત્યારે તેઓએ હવે લોહાણા પરિષદ કે રઘુવંશી સમાજનું નામ વટાવવાનું બંધ કરી દેવું જોઈએ તેવી તેમના જ જ્ઞાતિજનો માંગ કરી આગામી સમયમાં એક બેઠક યોજવા જઈ રહ્યા હોય તેવી માહિતી મળી રહી છે.
લોહાણા મહાજનના પ્રમુખ સતિષ વિઠલાણીના મૌન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા
લોહાણા મહાજન પરિષદના બની બેઠેલા પ્રમુખ સતિષ વિઠલાણી દ્વારા જલારામ બાપા અને વીરપુર ધામ મામલે મૌન સેવી લેવામાં આવ્યું છે. રઘુવંશી સમાજમાં અંદરખાને સતિષ વિઠલાણીના મૌનને લઈ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ સતિષ વિઠલાણીના મૌનને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. ફેસબૂક પર શ્ર્યામલ સોનપાલની એક પોસ્ટમાં પણ સતિષ વિઠલાણીનો વિરોધ તેમના જ સમાજના લોકો કરી તેમની પર ફટકાર વરસાવી રહ્યા છે. આખરે ક્યાં કારણોસર લોહાણા સમાજના કહેવાતા પ્રમુખ સતિષ વિઠલાણી વેપાર-ધંધા પાછળ પોતાના જ્ઞાતિજનોના પ્રશ્ર્નોમાં મૌન સેવી બેઠા છે.