ક્રિષ્ના સ્કૂલનાં અપલખણા સંચાલકનાં નિતનવાં કારનામાં
રજિસ્ટ્રાર અને PSI સુધીનાં અનેક લોકોની ગજેરા સાથે મિલીભગત
- Advertisement -
પરવાનગી વગર સાત માળનું બિલ્ડિંગ ખડકી દીધું અને લાજવાને બદલે ગાજે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની નહેરુનગર સોસાયટીમાં રહેણાંકના પ્લોટ નં.1માં ક્રિષ્ના સ્કૂલના કહેવાતા સંચાલક મહેન્દ્ર ઉર્ફે મહેશ વલ્લભ ગજેરાએ આર્કિટેક સતીશ મહેતા સાથે મળી સોસાયટીની પરવાનગી વિના ગેરકાયદે બાંધકામ ઉભું કરી દીધું છે. આ અંગે સોસાયટીમાં જ એક સભાસદના જણાવ્યા અનુસાર મહેન્દ્ર ગજેરા હવે ગુંડાગીરી પર ઉતરી આવ્યો છે. તેણે 2022માં સોસાયટીના એનઓસી વિના જ રિવાઈઝ પ્લાન મારફતે સાત માળનું કોમર્શીયલ બિલ્ડીંગ ઉભું કરી નાખ્યું છે. મહેન્દ્ર ગજેરાએ ઉભા કરેલા ગેરકાયદે બાંધકામના પ્લાનમાં સોસાયટીના સહી-સિક્કા કે મંજૂરી છે જ નહીં. મહેન્દ્ર ગજેરા અને આર્કિટેક સતીશ મહેતાએ કરેલી આ કરતૂત સામે નહેરુનગર સોસાયટીના સભાસદો હાઇકોર્ટમાં પણ ગયા છે. પ્રાપ્ત વિગત અનુસાર સ્કૂલ સંચાલક અને ત્યારબાદ બિલ્ડરમાંથી હવે ભૂમાફિયા બની ગયેલા મહેન્દ્ર ગજેરાએ પોતાના માણસો દ્વારા સોસાયટીના સંચાલકોને ડરાવવા-ધમકાવવાના શરૂ કર્યા છે. અને આ માટે તેમણે ભાડૂતી ગુંડા ઉપરાંત ખાખીની મદદ લીધી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે નહેરુનગર સોસાયટીના સંચાલકો અને સભાસદો મક્કમ રીતે ગજેરાના ગેરકાયદે બાંધકામનો વિરોદ્ધ કરી રહ્યા છે. સોસાયટીના પ્રતિનિધિ તરીકે સોસાયટીના સંચાલકો સોસાયટીના હિતમાં નિયમની વિરુદ્ધ દાદાગીરીથી ગેરરીતિઓ કરતા ભૂમાફિયાઓ અને સરકારી અધિકારીઓ સામે કાનૂની લડત લડી રહ્યા છે. આ મામલે જ આગામી સમયમાં હાઈકોર્ટમી તપાસ અને ઓર્ડર પછી જિલ્લા રજીસ્ટ્રારથી લઈ ટીપી શાખાના અનેક અધિકારીઓના તપેલા ચઢી જશે એવું દર્શાઈ રહ્યું છે.
- Advertisement -
ગજેરાના કહેવાથી કિશોર કથીરિયાએ કરેલી અરજીના આધારે PSI ગજેરાએ સભાસદોને ડરાવ્યા-ધમકાવ્યા
મહેન્દ્ર ગજેરા એક વ્હાઈટ કોલર ક્રિમિનલથી કમ નથી. ભૂતકાળમાં તેની પર વ્યાજખોરી જેવા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વહીવટ અને વર્ચસ્વ જમાવવામાં તે માહેર છે. મની અને મસલ્સ પાવરના આધારે તેણે નહેરુનગર સોસાયટીના એક સભાસદ કિશોર કથીરિયાને હાથો બનાવી વિરુદ્ધના સભાસદો સામે પોલીસ અરજી કરાવી હતી અને આ સભાસદોની શાન ઠેકાણે લાવી મામલો રફેદફે કરાવવા પીએસઆઈ ગજેરાને હવાલો સોંપેલો હતો. આમ, માલવીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગજેરાએ કથીરિયાની અરજીને આધારે નહેરુનગરના સભાસદોને બોલાવી સાઈન વેરિફિકેશન કરવાની જગ્યાએ કલાકો સુધી ખાલીખોટા સવાલો પૂછી ડરાવ્યા-ધમકાવ્યા હતા. મહેન્દ્ર ગજેરા કોઈપણ કાળે સામ, દામ, દંડ, ભેદથી આ મામલો દબાવવાના પ્રયત્ન કરતો હોવાનું સભાસદો કહી રહ્યા છે.
મહેન્દ્ર ગજેરાના મળતિયા કિશોર કથીરિયાનું પ્રમુખ ઢોસા પણ ગેરકાયદે?
નહેરુનગર સોસાયટીમાં રહેણાંકમાં કોમર્શિયલ બાંધકામને મંજૂરી નથી છતાં મહેન્દ્ર ગજેરાના મળતીયા કિશોર કથીરિયાનું પ્રમુખ ઢોસા પણ ગેરકાયદે હોવાનું કહેવાઈ રહ્યું છે. ગજેરા અને કથીરિયા એકબીજાનો સ્વાર્થ સંતોષવા ભેગા મળી હવે નહેરુનગરના અન્ય સભાસદો વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા હોય અને ગમેતેમ કરી હાઇકોર્ટમાં ગયેલો કેસ પાછો ખેંચાઈ તે માટે ધમપછાડા કરી રહ્યા છે. શાંત અને સ્વચ્છ નહેરુનગર સોસાયટીમાં વેપારી પ્રવૃત્તિ ન ધમધમે અને ગુંડા તત્વોની મનમાની ન ચાલે તે માટે પણ કેટલાક સભાસદો તન, મન, ધનથી લડી રહ્યા હોય ત્યારે ગજેરા અને કથીરિયા જેવા તત્વોની સોસાયટીમાંથી હકાલપટ્ટી નિશ્ર્ચિત જણાય રહી છે.