ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
જામનગર રોડ સ્થિત સાંઢિયા પુલને તોડીને મહાનગરપાલિકા દ્વારા નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શરૂઆતના દિવસોમાં સાંઢિયા પુલનું કામ ગોકળગાયની ગતિએ ચાલતું હતું. હાલ કામને વેગ આપવામાં આવ્યો છે ત્યારે 25થી 30 ટકા કામ પ્રથમ તબક્કાનું પૂર્ણતાના આરે આવી ગયું છે. સાંઢિયા પુલ પરથી રોજ લાખો રાહદારીઓની અવરજવર રહે છે. જામનગર હાઈવેને જોડતો સાંઢિયા પુલ છે. સાંઢિયા પુલની કામની ગતિ બુસ્ટ કરવામાં આવી છે. સાંઢિયા પુલનું નિર્માણ આગામી ડિસેમ્બર માસ સુધીમાં પૂર્ણ થશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે કહી શકાય કે 602 મીટર લાંબા સાંઢિયા પુલનું પ્રથમ તબક્કે કામ પૂર્ણતાના આરે છે. સાંઢિયા પુલને પહેલા કરતાં ડબલ પહોળો કરવામાં આવ્યો છે. ફોરલાઈન પુલ નિર્માણ બાદ રાહદારીઓને વાહન વ્યવહારની સરળ સુવિધા મળશે.
રાજકોટ-જામનગર રોડને જોડતા અને રાજકોટથી માધાપર ચોકડીની બંને બાજુની સંખ્યાબંધ સોસાયટી માટે જીવાદોરી સમાન જૂના સાંઢિયા પુલનું નવનિર્માણ ગતિમાં છે. આ પુલના નવનિર્માણ સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી ડિસેમ્બર માસ સુધીમાં નવનિર્મિત સાંઢિયો પુલ તૈયાર થઈ જશે. હાલ રેલનગરના બ્રિજથી રાજકોટ શહેર તરફ તથા હોસ્પિટલ ચોકથી જામનગર તરફ જતી બંને બાજુના ગર્ડરનું કામ નિર્ધારિત સમયમર્યાદામાં થઈ રહ્યું છે. બંને તરફના બ્રિજ રેલવેના ક્રોસીંગ પાસે આવશે ત્યારે રેલવે તંત્રના સહયોગથી વચ્ચેના ગર્ડર મૂકવામાં આવશે. આ તબક્કામાં આવતા કામ નવેમ્બર-ડિસેમ્બરમાં પૂર્ણ થશે.
ફોર લેન બ્રિજનું નિર્માણ થશે
- Advertisement -
સાંઢિયા પુલના નિર્માણમાં વચ્ચેના ભાગમાં રેલવે ફાટક આવી રહ્યું છે. સમગ્ર સાંઢિયા પુલના નિર્માણમાં 120 જેટલા ગર્ડર પી.એસ.સી.નો ઉપયોગ કરવામાં આવશે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર બે મહિનાની અંદર પૂરું કરી નાખવાની શક્યતાઓ જણાવી રહ્યા છે. વિદેશમાં જે પદ્ધતિથી બ્રિજ નિર્માણમાં થતી હોય છે એજ પ્રકારનું કામ સાંઢિયા પુલના નિર્માણમાં લેવામાં આવી રહ્યું છે. સાંઢિયો પુલ 16.4 મીટર પહોળો બનશે. ફોરલેન પુલનું નિર્માણ થશે. સાંઢિયા પુલની પહેલાની પહોળાઈ 7.7 મીટર હતી હવે તે ડબલ થઈ જશે.
બાંધકામમાં વિદેશી પદ્ધતિનો ઉપયોગ
સાંઢિયા પુલના નિર્માણમાં પી.એસ.સી. પદ્ધતિ વડે બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. વિદેશમાં પી.એસ.સી. પદ્ધતિથી બ્રિજના નિર્માણ કરવામાં આવે છે. પ્રિસ્ટ્રેસ ક્રોંકીટ પદ્ધતિ દ્વારા બ્રિજ નિર્માણ કરવામાં આવે ત્યારે પહેલેથી જ બ્રિજના સ્ટ્રેસને જાણી લેવામાં આવતો હોય છે. આ ક્વોલિટી વર્ક સાથેનું કામ રહેતું હોય છે. ઝડપભેર અત્યારના બ્રિજ નિર્માણના કામોમાં આ પદ્ધતિ ઉપયોગ નિવડી છે. સાંઢિયા પુલ 602 મીટર લંબાઈ ધરાવે છે. તેના નિર્માણમાં આ પદ્ધતિ થકી 120 સ્પાન જેટલા ગર્ડર ઉપયોગમાં લેવામાં આવશે. જે સ્ટાન્ડર્ડ સાથે મજબૂત નિર્માણનું કામ આપશે. સાંઢિયા પુલના એક છેડે 30થી વધુ ગર્ડર મૂકાઈ ગયા છે. કામની ગતિને વેગ મળી રહ્યો છે તેના પરથી નજરે પડી રહ્યું છે. એન્જિનિયર સહિતનો સ્ટાફ રાત-દિવસ એક કરીને કામગીરી કરી રહ્યો છે. બે મહિનાની અંદર 120 ગર્ડર મુકાઈ જવાની ગ્રાઉન્ડ પર કામ કરી રહેલા કર્મચારીઓનો અંદાજ છે. ફોરલેન પુલ નિર્માણ થયા બાદ રાહદારીઓને ઉચ્ચ સ્તરનો અને એક સારો પુલ મળશે એ પ્રકારની હાલ પ્રજાને પણ આશાઓ છે.



