ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયનાં કેન્દ્રિય મંત્રી અને પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ડો.મનસુખ માંડવિયા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત સાઈકલ રેલીમાં જોડાયા હતાં અને સાઈકલ ચલાવી હતી. કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં અલગ અલગ સ્થાનો પર સન્ડે સાયકલીગના કાર્યક્રમ થઈ રહ્યા છે તેમજ લોકોની હેલ્થની પ્રત્યે જાગૃતતા વધી રહી છે.અને દેશના લોકો સાયકલિંગ કરીને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ આગળ વધારી રહ્યાં છે. વધુમાં તેમણે સારી હેલ્થ માટે અને ફિટ રહેવા માટે સાઇકલિંગ તેનું સોલ્યુશન છે અને પોલ્યુશનના સોલ્યુશન માટે પણ સાયકલીગ જરૂરી છે તેમ ઉમેર્યુ હતું.
આ સાઈકલ રેલીનો કનકાઈ માતાજી મંદિર થી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને રિલાયન્સ ફૂવારા તરફ, એસ.ટી. ડેપો, પાલાના ચોક, શહીદચોક, હરીશ ટોકીઝ, નેશનલ પેટ્રોલ પંપ થી પોસ્ટ ઓફીસ તેમજ પોસ્ટ ઓફીસ તરફથી એસ.ટી. ડેપો તરફ અને સર્કિટ હાઉસ સુધી યોજાઈ હતી. અને બાળકો દ્વારા યોગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાઈકલ રેલીમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, અધિક કલેક્ટર જે બી વદર સહિતના નૌસેના, ઇન્ડિયન નેવી,પોસ્ટ, બેન્ક સેક્ટરના અધિકારીઓ- કર્મચારીઓ સહિતના અગ્રણીઓ અને નગરજનો જોડાયા હતા.



